Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ભાણવડમાં રવિવારે હાફ મેરેથોન સાયકલ સ્પર્ધા

ભાણવડ પત્રકાર મંડળ આયોજીત અને ફીટ ઇન્ડિયા અંતર્ગત : ભાઇઓ બહેનો માટે ચાર વયજૂથ : સ્પર્ધકોમાં ઉત્સાહ

ભાણવડ તા.૭ : ભાણવડમાં કાલે રવિવારે તા.૮ના રોજ હાફ મેરેથોન સાયકલ સ્પર્ધાનું આયોજન ભાણવડ પત્રકાર મંડળ દ્વારા કરવામાં આવેલ છે જેને લઇ સાયકલ રસીકો અને શહેરીજનોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.

આજના ઝડપી અને આધુનીક યુગમાં લોકો અને ખાસ કરીને આજના યુવાનોમાં વધી રહેલા બાઇક, મોપેડ જેવા વાહનોના મોહે સાયકલ યુગને વિસારે પાડી દીધો છે. દેશનુ ભવિષ્ય એવા આજના યુવાનોને પેંડલ મારી સાયકલ ચલાવવા કરતા કોઇ જાતના શારિરીક શ્રમ વેઠયા વગર બાઇક કે મોપેડનુ જે વળગણ લાગ્યુ છે. તે સરવારે તેમના સ્વાસ્થ્ય માટે જ હાનિકારક બન્યુ છે. ત્યારે ભાણવડ પત્રકાર મંડળ અને સહયોગી સંસ્થાઓ દ્વારા આ હાફ મેરેથોન સાયકલ સ્પર્ધા યોજી યુવાનો માટે બાઇક કરતા સાયકલ સ્વાસ્થ્ય અને ચુસ્તી માટે વધુ ઉપયોગી છે. એ સંદેશ આપવાનો એક સકારાત્મક પ્રયત્ન ફીટ ઇન્ડિયા અંતર્ગત હાથ ધરેલ છે.

આ હાફ મેરેથોન સાયકલ સ્પર્ધામાં વયજૂથ મુજબ ભાઇઓ બહેનો માટે ચાર વિભાગ રાખવામાં આવેલ છે. ૧) ૧૪ થી ૩૦ વર્ષ (ર) ૩૧ થી ૪૦ વર્ષ (૩) ૪૦ થી ઉપર અને (૪) ૬૦ થી ઉપર. સ્પર્ધામાં ૨૧.૧ કિમીનુ અંતર રહેશે જેને પુર્ણ કરવા માટે ભાઇઓનો સમય દોઢ કલાક અને બહેનો માટે બે કલાક નકકી કરવામાં આવેલ છે. સાયકલ સ્પર્ધાનો રૂટ ભાણવડ બસ સ્ટેન્ડથી ચાર પાટીયા, મોટા કાલાવડ, કપુરડી પાટીયા, ઘુમલી પાટીયા, બાપુની વાવ થઇ ભાણવડ બસ સ્ટેન્ડ પરત આ મુજબ નકકી કરવામાં આવ્યો છે. દરેક વિભાગમાં પ્રથમ ૩ ક્રમે આવનાર સ્પર્ધકને સન્માનીત કરી પારીતોષીક આપવામાં આવશે અને સમય મર્યાદામાં સ્પર્ધા પુર્ણ કરનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવશે.

ભાણવડ પત્રકાર મંડળના આ સકારાત્મક અભિગમ સાથેના આયોજનને સ્વૈચ્છિક સહયોગ આપતા પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન રાજકોટ આઝાદચોક બજરંગગૃપ, જય સોમનાથ ચેરી. ટ્રસ્ટ (સોમનાથ ગૃપ), પક્ષી બચાવો અભિયાન ધ પ્રકૃતિ યુથ ગૃપ, ભાણવડ તાલુકાની તમામ શાળાઓ, ભાણવડ રેવન્યુ બાર એશો. ભાણવડ તાલુકા પેટ્રોલપંપ એશો., ભાણવડ વેપારી મંડળ, વાણંદ એશો., ભાણવડ સીટી સ્પોર્ટસ એન્ડ સો. કલબ, વિશ્વશ્વેર ધુનમંડળ અવસર સ્ટુડીયો ભાણવડનો સહયોગ સાંપડી રહ્યો છે.

આ સ્પર્ધાના સફળ આયોજન માટે ભાણવડ પત્રકાર મંડળને પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલના સંચાલક ભીમશીભાઇ કરમુર, શાળાના આચાર્ય શીલુ ખુશાલભાઇ તેમજ સમગ્ર સ્ટાફ સહાયક બની રહ્યો છે તો ભાણવડ પીએસઆઇ હેરમા તથા પોલીસ સ્ટાફનો પણ આ સ્પર્ધા મહત્વપુર્ણ સહકાર મળી રહેશે. ૧૦૮ની ટીમ પણ મદદરૂપ થશે. આ સ્પર્ધામાં ભાણવડ તાલુકા ઉપરાંત સમગ્ર દેવભૂમી દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાંથી પણ સ્પર્ધકો ભાગ લેનાર છે તો સ્થાનિક સ્પર્ધકોમાં આ સ્પર્ધાને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે.

(11:51 am IST)