Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

માનવભક્ષી વન્ય પ્રાણીઓએ માઝા મુકી છેઃ સરકારી તંત્ર નિષ્ફળ, હવે અમને 'છુટ' આપોઃ દિલીપ સંઘાણી

માનવ વસવાટવાળા વિસ્તારોમાં નુકશાન કરતા જંગલી પ્રાણીઓને પુરા કરી દેવાની કામગીરી માંગતા પુર્વ સાંસદ

રાજકોટ, તા., ૭: અમરેલી વિસ્તારમાં  દિપડા જેવા  વન્ય પ્રાણીઓ દ્વારા રેવન્યુ ક્ષેત્રમાં ઘુસી પશુઓ અને માનવોને ફાડી ખાવાના બનાવો વધતા કૃષિ ગ્રામ્ય વિકાસ  પરિષદના સ્થાપક પ્રમુખ રાજયના પુર્વ કેબીનેટ મંત્રી શ્રી દિલીપ સંઘાણીએ આવા પ્રાણીઓને પુરા કરવા માટે સરકાર પાસે છુટ માંગતા ચર્ચા જાગી છે.

શ્રી દિલીપ સંઘાણીએ જણાવેલ કે અમરેલી અને નજીકના  વન્ય સીમા નજીકના વિસ્તારમાં દિપડા જેવા માનવભક્ષી પ્રાણીઓ દ્વારા માનવ વસવાટવાળા વિસ્તારોમાં આવી ચડી માનવ અને પશુધનને મારી નાખવાના બનાવો વધી રહયા છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાની લાગણી જન્મી છે. કેટલાય લોકો જંગલી પ્રાણીઓના ભયથી ખેતી મુકીને જતા રહયા છે. આ બાબતે સરકારમાં રજુઆત કરવામાં આવી છે. સરકારે વન વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી છે. વન વિભાગનું તંત્ર ઠાગાઠૈયા કરી રહયું છે. કિંમતી માનવ જીંદગીઓનો ભોગ લેવાઇ રહયો છે. સરકારનું તંત્ર નિષ્ફળ ગયું છે ત્યારે હવે માનવ વસવાટવાળા વિસ્તારોમાં આવી તરખાટ મચાવતા વન્ય પ્રાણીઓને અમારા ખર્ચે પુરા કરવા માટે અમે સરકાર પાસે મંજુરી માંગીએ છીએ. જે કાંઇ કરવું પડશે તે અમે કરવા તૈયાર છીએ.  સરકાર અમારી સંસ્થાને આ માટે કાયદાકીય મંજુરી આપે તેવી અમારી માંગણી છે.

(11:42 am IST)