Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

૧લી જાન્યુથી કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં સાઈકલ,બેટરીવાળા વાહનોને જ પ્રવેશઃ પ્રદુષણ રોકવા ઉદ્યોગો માટે પણ આકરા નિયમો

 ઝોનમાં ૨૫૦ યુનિટમાં ૨૫ હજાર વર્કરો કામ કરે છે, સુએઝ પ્લાન ફરજીયાત, હોર્ન વગાડનારને ૫૦ હજાર દંડ, ૧૫ એકરમાં બનાવાશે જંગલ(વિપુલ ગાલા દ્વારા) ભુજ તા. ૭:  કેન્દ્રની મોદી સરકાર ભવિષ્યમાં ઉભા થનારા પ્રદૂષણના ભય સામે અત્યારથી જ જાગૃત બનીને ચાંપતા પગલાં ભરવા તંત્રને જણાવી રહી છે. પ્રદુષણની આ સમસ્યાને રોકવા કંડલા ફ્રી ટ્રેડ ઝોન જે અત્યારે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (કાસેઝ) તરીકે ઓળખાય છે, તેના દ્વારા આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનને પ્રદુષણ મુકત બનાવવા નવું આયોજન ગોઠવાયું છે. આગામી ૧ લી જાન્યુઆરી ૨૦૨૦ થી નવા આયોજન અનુસાર કાસેઝમાં પ્રવેશનારે વાહનને એન્ટ્રી પાસેના ર્પાકિંગઝોનમાં પાર્ક કર્યા બાદ અંદર પ્રવેશવા માટે ફરજીયાત પણે સૌએ સાઇકલ અથવા તો બેટરી ઓપરેટેડ વાહનનો જ ઉપયોગ કરવાનો રહેશે. અત્યારે ઝોનમાં ૨૫૦ ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં ૨૫ હજાર વર્કરો કામ કરે છે. તે સૌએ પોતાના યુનિટ સુધી જવા માટે ફરજીયાત પણે સાઇકલ અથવા તો બેટરી વાળું વાહન જ વાપરવું પડશે. ગંદા પાણીના નિકાલ માટે સુએઝ પ્લાન્ટ બનાવવો પડશે. જોકે, ખુદ પ્રશાસન પણ ૧૫ એકર જમીનમાં હરિયાળું જંગલ બનાવશે. ઝોનની અંદર પ્રવેશનાર માલ વાહક વાહનો ટેમ્પો, ટ્રક વગેરેના હોર્ન વગાડવા ઉપર પ્રતિબંધ રહેશે, પ્રથમવાર ચેતવણી, બીજી વાર ૫૦ હજારનો દંડ કરાશે. કાસેઝ પ્રશાસન નવા નિયમોનો અમલ કરાવવા મક્કમ છે, અત્યારે કાસેઝ કચેરીના કર્મચારીઓએ સાઈકલનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જોકે, ઝોનના ઔદ્યોગિક યુનિટોમાં નવા નિયમો અંગે કચવાટ સહિત અનેક પ્રશ્નો છે, ત્યારે જોવું રહ્યું કે, પ્રદુષણ અંગેના નવા નિયમોના અમલ અંગે શું કામગીરી થાય છે.

(11:35 am IST)