Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

તાલાલાનાં આંબળાશ ગીરની સીમમાં ખેતરમાંથી સિંહણનો કોહવાયેલો મૃતદેહ મળ્યો :વનતંત્ર દોડ્યું

મૃતક સિંહણના વીસેરા લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા

તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામે ખેતરમાંથી કોહવાઈ ગયેલો સિંહણનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહ કબ્જે કરીને સિંહણનાં મૃત્યુ અંગે જરૂરી તપાસ હાથ ધરી છે.ત્રણ સિંહબાળ ગુમ થયાની પણ ચર્ચા ઉઠી હતી, પરંતુ વનતંત્રએ ઈન્કાર કર્યો છે.

 આ અંગે મળતી વિગત મુજબ આંબળાશ ગીર ગામની પૂર્વ બાજુની સીમમાં આવેલ ખીમાભાઈ મેણસીભાઈ ભોળાના ખેતરમાં સાતથી આઠ ફુટ ઉંચો તુવેરનો પાક ઉભો છે. તુવેરના પાકમાંથી દુર્ગંધ આવતી હોવાથી ખેડૂતે તપાસ કરતા સિંહણ નો મૃતદેહ પડયો હોવાથી તાલાલા ખાતેની વન વિભાગની કચેરીને જાણ કરતા આર.એફ.ઓ. સહિતનાં સ્ટાફે બનાવનાં સ્થળે દોડી જઈ સિંહણનો મૃતદેહ કબજે કર્યો હતો.

 સિંહણનો મૃતદેહ એકદમ કોહવાઈ ગયેલો હોવાથી વેટરનરી તબીબને બોલાવી સ્થળ ઉપર પી.એમ. કરી મૃતક સિંહણના વીસેરા લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં.

(12:13 pm IST)