Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ચૌટા ચેકડેમ - કોઝ-વેનું કામ શરૂ કરવા માણાવદર તાલુકા પંચાયત સદસ્યની માંગણી

ઉપલેટા, તા. ૭ : માણાવદર તાલુકા પંચાયતના સદસ્ય વેકરી ગામના રામસીભાઈ દેવશીભાઈ ખોડભાયાએ રાજયના સિંચાઈ મંત્રી શ્રી પરબતભાઈ પટેલને પત્ર પાઠવીને સુચિત ચૌટા ચેકડેમ કમ કોઝ-વે ઓન રીવર ભાદરનું (ચૌટા, તા. કુતીયાણા, જી. પોરબંદર) કામ ચાલુ કરવા માટે રજૂઆત કરી છે. રામસીભાઈ ખોડભાયાએ પાઠવેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે પોરબંદર જીલ્લાના કુતીયાણા તાલુકાના ચૌટા ગામ પાસે ભાદર નદી ઉપર ચૌટા ગામથી પૂર્વ દિશામાં વેકરી ગામ તરફ સુચિત ચેકડેમ માટે અનેક વખત રજૂઆતો કરેલ જે ચેકડેમનું અગાઉ સર્વેક્ષણ કરી ડિઝાઈન માટે અધિક્ષક ઈજનેર, લઘુ સિંચાઈ યોજના વર્તુળ (સી.ડી.યો.) ગાંધીનગર દ્વારા મંજૂર કરવામાં આવેલ ત્યારબાદ માત્ર એક ખેડૂત દ્વારા અંગત સ્વાર્થ માટે સુચિત ચેકડેમ ન કરવા બાબતે વાંધા અરજી થયેલ. જેથી ૨૦૧૧થી આ કામગીરી સ્થગિત કરવામાં આવેલ છે.

પરંતુ હજારો ખેડૂતોને લાભ કરતી આ યોજના ખૂબ જ જરૂરી બની રહેલ છે. માણાવદર તાલુકાનું વેકરી ગામ તથા કુતીયાણા તાલુકાના ચૌટા, રોઘડા, થેપડા, માંડવા જેવા અનેક ગામોને આ ચેકડેમથી ખૂબ જ ફાયદો થાય તેમ છે. તો તાત્કાલીક આ કામ શરૂ કરવા વિનંતી છે. જો આવતા દિવસોમાં તંત્ર દ્વારા આ યોજના શરૂ નહિં થાય તો હજારો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી માણાવદર તાલુકા પંચાયત સદસ્ય રામસીભાઈ ખોડભાયાએ આપી છે.(૪૫.૩)

(12:01 pm IST)