Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

માંડવી તાલુકાના મસ્કામાં ડો.આંબેડકર કુમાર છાત્રાલયનો મંત્રીશ્રી આહિરના હસ્તે પ્રારંભ

આદિપુર ખાતે પણ નવા અનુ. જાતિ છાત્રાલયનું કામ હાથ ઘરાશે

ભુજ, તા.૭:  રાજય સરકારના પારદર્શી વહીવટના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે નવનિર્મિત ભવનના ૫૫૯ લાખના એસ્ટીમેટ સામે ઓનલાઇન ટેન્ડર બહાર પડાતાં રૂ. ૩૭૪ લાખનું ટેન્ડર ભરાતાં આ છાત્રાલયના બાંધકામમાં લગભગ બે કરોડ જેટલી રકમની બચત થઇ હોવા સાથે આદીપુર ખાતે પણ નવું છાત્રાલય મંજૂર કરાતાં ટુંક સમયમાં તેનું ખાતમુહુર્ત કરાશે, તેમ આજે માંડવી તાલુકાના મસ્કા મુકામે ડો. બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલય(અનુ.જાતિ)ના લોકાર્પણ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષપદેથી આજે માંડવીના મસ્કા ખાતે અનુ.જાતિના બાળકો માટેના નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય લોકાર્પણ સમારોહને સંબોધતાં સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગોના કલ્યાણ મંત્રીશ્રી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, ડો. બાબા સાહેબ માત્ર દલિતોના નહીં પણ સમગ્ર માનવજાતના મસીહા હતા. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બાબા સાહેબ પરિવારના નામે વિવિધ નવ યોજનાઓ શરૂ કરી તેવી જ પરંપરા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ચાલુ રાખી છે, તેમ જણાવી રાજયમાં અનુ.જાતિના ૫૦ કુમાર અને ૩૬ કન્યા છાત્રાલયો મળી કુલ ૮૬ છાત્રાલયો ચાલતા હોવાનું જણાવી રાજય સરકારની દલિત, શોષિત, બક્ષીપંચના આર્થિક, સામાજીક શૈક્ષણિક વિકાસ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સાથે તેમાં કરાયેલા વધારાનો પણ વિગતે ઉલ્લેખ કર્યો હતો.

કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ સદીના યુગપુરૂષ ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરે સામાજીક રીતે સશકત અને આર્થિક રીતે સમૃધ્ધ ભારતના સેવેલા સ્વપ્નને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિવિધ કાર્યો અને યોજનાઓ થકી સાકાર કરાઇ રહ્યા છે.  આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ બાબાસાહેબના નિર્વાણદિને શ્રધ્ધાંજલિ અપી હતી.

આ પ્રસંગે લોંગ જંપમાં નેશનલ લેવલે વિજેતા સીમા વિંઝોડાનું રાજયમંત્રી સહિત સાંસદ અને ધારાસભ્યોના હસ્તે સન્માન કરાયું હતું તેમજ માનબાઇ આત્મારામને મસ્કા ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરી આયુષ્યમાન ભારત યોજના સહાયની પ્રતિક અર્પણ વિધિ તેમજ રાજા હરિચંદ્ર યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરાઇ હતી.

કાર્યક્રમના પ્રારંભે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક કે.ડી.કાપડીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવી તા.પં. અધ્યક્ષા ગંગાબેન સેંદ્યાણી, માંડવી નગર અધ્યક્ષ મેહુલભાઈ શાહ, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, જિ.પં. સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાદ્યેલા, મસ્કા સરપંચ કીર્તિભાઈ ગોર, ગાંધીધામ નપા અધ્યક્ષ કાનજીભાઈ ભર્યા, મુંદરા  નટુભા ચૌહાણ,  કેશવજીભાઈ રોશિયા, ચેરમેન એપીએમસી માંડવી પ્રવીણભાઈ પટેલ,  રાજેન્દ્રસિંહ જાડેજા, માંડવી તા.પં. ઉપપ્રમુખ રાણશીભાઈ ગઢવી,   પ્રદ્યુમનસિંહ જાડેજા, શહેર અરવિંદભાઈ ગોહિલ રામજીભાઈ દ્યેડા, નરેશભાઈ મહેશ્વરી, જે.પી.મહેશ્વરી, બટુકસિંહ જાડેજા, સુરેશભાઈ સંદ્યાર, નારાણભાઈ ગઢવી, મુંદરા પ્રાંત અધિકારી અવિનાશ વસ્તાણી, નાયબ નિયામક કે.એસ. મકવાણા, સામજીભાઈ વાણીયા, રમેશભાઈ ચંદે સહિત અનુ.જાતિ કચેરીના વી.આર. રોહિત, એન.એસ.રાઘુ, એચ.આર.રાઠોડ, આદર્શ નિવાસી શાળાના એસ.આર.જાડેજા, બી.એ.દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ મોતાએ જયારે આભારદર્શન નાયબ નિયામક એન.એસ.ધ્રાગાએ કર્યું હતું.(૨૨.૩)

(11:53 am IST)