Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ત્રંબામાં વહેલી સવારે ભાવેશભાઇ પટેલની વાડીમાંથી આઠ જેટલા શખ્સો કપાસની ૧૪ ભારી ચોરી ગયા

વાડી એમપીના રમેશે વાવવા રાખી છેઃ મજૂરોએ આઠ શખ્સોને જોયા પણ ગભરાઇ જતાં સુતા રહ્યાઃ યુટીલીટીમાં ૧૪ ભારી સમાઇ, બાકીની ૮ ભારી રોડ પર રેઢી મુકી દીધી

જ્યાં ચોરી થઇ તે વાડી, બચી ગયેલી કપાસની ભારીઓ, વાડી માલિક ભાવેશભાઇ અને ભાગીયા રમેશભાઇ તથા મજૂર જોઇ શકાય છે. તસ્વીરો ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી

રાજકોટ તા. ૬: ત્રંબામાં અવાર-નવાર નાની-મોટી ચોરીના બનાવ બનતા રહે છે. ત્યાં આજે વહેલી સવારે ચારેક વાગ્યે ત્રંબામાં રોડ ટચ આવેલી ભાવેશભાઇ પરષોત્તમભાઇ ત્રાપસીયા (પટેલ)ની વાડીમાંથી આઠ જેટલા શખ્સો રૂ. અડધા લાખના કપાસની ૧૪ ભારી યુટીલીટી જેવા વાહનમાં નાંખીને ચોરી જતાં પોલીસને જાણ કરાઇ છે. બાકીની આઠ ભારી વાહનમાં ન સમાતા રોડ પર જ રેઢી મુકી દીધી હતી.

ત્રંબાના જી. એન. જાદવના જણાવ્યા મુજબ ભાવેશભાઇ પટેલે પોતાની વાડી બે વર્ષથી મધ્યપ્રદેશના રમેશ નરસીભાઇ ડોડવાને વાવવા માટે ભાગીદારીથી આપી છે. આ વાડીમાં રમેશ ઉપરાંત બે મજૂરો, રમેશની પત્નિ, બીજા મજુરોઅની પત્નિઓ અને બાળકો રહે છે અને ત્યાં જ સુવે છે. સવારે ચારેક વાગ્યે અવાજ થતાં મજૂરો  જાગી ગયા હતાં અને આઠ શખ્સોને કપાસની ભારીઓ ઉઠાવીને આશરે ૩૦૦ મીટર દૂર આવેલા રોડ સુધી લઇ જતાં જોયા હતાં. ભારીઓ ઉઠાવનારા વધુ સંખ્યામાં હોઇ મજૂરો ગભરાઇ ગયા હતાં અને ચુપચાપ સુઇ રહ્યા હતાં. રાત્રીના રમેશભાઇ પોતાના સગાને રાજકોટ દાખલ કર્યા હોઇ તેથી તેની દેખરેખ માટે ત્યાં હતાં.

એ દરમિયાન પોલીસની જીપ જેવું વાહન આવતું દેખાતા મજૂરો દોડીને રોડ પર ગયા હતાં. પણ એ વાહન આગળ નીકળી ગયું હતું. રમેશે રોડ પર જોતાં ૨૦ પૈકીની કપાસની ૮ ભારી રોડ પરથી રેઢી મળી હતી. બાકીની ૧૪ ભારી ભરી જવામાં આવી હતી. કપાસની ભારીઓ ભરેલુ વાહન સરધાર રોડ તરફ ગયાની ચર્ચા છે.

બનાવ અંગે ગામમાં ભારે ચર્ચા જાગી છે. વાડી માલિક ભાવેશભાઇ રાત્રે તેના સગા દવાખાનામાં દાખલ હોવાથી ત્યાં ગયા હતાં.  આજીડેમ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. (૧૪.૭)

(11:40 am IST)