Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ગિરનાર ઉપર ૯.૫ ડીગ્રીઃ ભાવનગરમાં ભિક્ષુક ઠુઠવાઇ ગયો

ઠંડી વધી રહી છેઃ ગઇ સાંજથી ટાઢકમાં વધારો જણાતા લોકો ગરમ વસ્ત્રો હાથવગા કરવા લાગ્યા

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાનો માહોલ જામતો જાય છે અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતો જાય છે જેના કારણે ઠંડકની અસર વર્તાય છે.

ઠંડીમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે અને ગઇકાલ સાંજથી ટાઢકમાં વધારો થતા લોકો ગરમ વસ્ત્રો હાથ વગા કરવા લાગ્યા છે. અને ઠંડીથી બચવા તેનો ઉપયોગ કરી રહ્યા છે. આજે ઠંડીથી ભાવનગરમાં ભિક્ષુકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

આજે રાજયમાં સૌથી વધુ ઠંડી જુનાગઢના ગિરનાર પર્વત ઉપર ૯.પ ડીગ્રી નોંધાઇ હતી. જયારે કચ્છનાં કંડલા એરપોર્ટ ઉપર ૧૧.૭ ડીગ્રી, નલીયામાં ૧ર.૦ ડીગ્રી, રાજકોટ ૧પ.૩, ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. થોડા દિવસોથી લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગે છે. જેના કારણે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાય છે.જો કે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની વધુ અસર વર્તાઇ છે.

સવારે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જતો હોવાથી શિયાળા જેવુ વાતાવરણ અનુભવાય છે જયારે બપોરના સમયે મહત્તમ  તાપમાનનો પારો ઉંચે ચડી જતા ઉનાળા જેવા વાતાવરણનો અનુભવ થાય છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં ઠંડીથી એક ભિક્ષુકનું મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં મોતી તળાવ વિસ્તારમાંથી યુનુસભાઇ ઇસ્માઇલભાઇ કાદરી નામના ભિક્ષુકની લાશ મળી આવી હતી.

જે અંગેની જાણ સી. ડીવીઝન પોલીસને થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ભિક્ષુકનું મોત ઠંડી અને ભુખનાં લીધે થયાનું ખુલવા પામ્યું હતું.

ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન ૧૭.૪ ડીગ્રી નોંધાયું હતું.

જુનાગઢ-ગીરનારી

જુનાગઢ : ઠંડીમાં સતત વધારો થતાં જુનાગઢના ગિરનાર પર્વત ખાતે આજે ૯.પ ડીગ્રી ઠંડી રહી હતી.

જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાન ઘટી રહ્યું છે. ગઇકાલની સરખામણીએ આજે સવારે તાપમાન અડધો ડીગ્રી નીચે ઉતરીને ૧૪.પ ડીગ્રીએ થયું હતું. ગીરનાર પર્વત પર આજની ઠંડી ૯.પ ડીગ્રી રહેતા પ્રવાસીઓ સહિતના લોકો ઠુઠવાય ગયા હતાં.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી. ર.૩ કિમીની ઝડપે પવન ફુંકાતા લોકોને આજે ઉની વસ્ત્રોનો આશરો લેવો પડયો હતો.

કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

 

અમદાવાદ

૧૩.૭

ડીગ્રી

ડીસા

૧૩.પ

''

વડોદરા

૧૪.૦

''

સુરત

૧૮.ર

''

રાજકોટ

૧પ.૩

''

ભાવનગર

૧પ.૬

''

પોરબંદર

૧૬.૦

''

વેરાવળ

૧૯.૩

''

દ્વારકા

૧૮.૪

''

ઓખા

રર.૬

''

ભુજ

૧૭.૦

''

નલીયા

૧ર.૦

''

સુરેન્દ્રનગર

૧૪.૪

''

ન્યુ કંડલા

૧૪.૪

''

કંડલા એરપોર્ટ

૧૧.૭

''

અમરેલી

૧૪.૦

''

ગાંધીનગર

  ૧ર.૮

''

મહુવા

૧૩.૯

''

દીવ

૧૬.પ

''

(11:39 am IST)