Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ભાવનગરમાં રવિવારે પૂ. મોરારીબાપુના અધ્યક્ષ સ્થાને નાગરિક સન્માનોત્સવ કાર્યક્રમ

ભાવનગર તા.૭: લોકસેવક માનભાઇ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં ૨૮મો નાગરિક સન્માન એવોર્ડ તા.૯ ડીસેમ્બરે શિશુવિહારમાં અર્પણ થશે.

ગુજરાતની ઓળખ સમાન પરમ આદરણીય મોરારીબાપુની નિશ્રામાં રવિવારે સાંજના ૫ કલાકે શિશુવિહાર પ્રાંગણમાં યોજાનાર સન્માન સમારોહમાં સૌરાષ્ટ્રમાંથી કુષ્ઠ રોગનું નિર્મુલન કરનાર પદ્મશ્રી જામનગર સ્થિત ડો. આચાર્ય તેમજ સુપ્રસિદ્ધ સાહિત્યકાર પ્રદીપજીના અમર વારસાને ગરીબો વચ્ચે જીવંત રાખી અહર્નિશ સેવાવૃત મુંબઇથી શ્રી મિતુલબહેન પ્રદીપનું પૂજય બાપુના વરદ હસ્તે રૂપિયા ૩૩૦૦૦/-ની રાશિ, મોમેન્ટો તથા ખેસ અર્પણથી અભિવાદન થશે.

સંસ્કૃતિ અને સેવાના ધામ તરીકે જાણીતા ભાવનગરના માનવીય મુલ્યોની કાળજી લેતા શિશુવિહાર સંસ્થાના સ્થાપક શ્રી માનભાઇ ભટ્ટની સ્મૃતિમાં સતત ૨૮માં વર્ષે એનાયત થનાર એવોર્ડ અંતર્ગત વાળુકડથી ૩૦૦૦ દીકરીઓને શિક્ષણ સાથે જોડી 'નઇ તાલીમ'નો સુવાસ વિસ્તારનાર શ્રી નાનુભાઇ શિરોયાનું શ્રેષ્ઠ શિક્ષણ તરીકે તેમજ મુસ્લિમ સ્ત્રીઓ પરત્વે વિશેષ સામાજિક સોૈહાર્દથી સ્વાસ્થ્ય શિક્ષણ માટે સેવાવૃત અમદાવાદ સ્થિત પ્રાધ્યાપક ડો. દેવિન્દ્રાબહેન શાહનું આદરણીય બાપુના કર-કમળથી અભિવાદન થશે.

કઠિન પરિસ્થિતિમાં પણ અનન્ય સંઘર્ષ વેઠી કચ્છના રણમાં ૧૪૦૦ થી વધુ પરિવારોમાં ભાતીગળ ભરતકામને જીવંત રાખનાર અમિબહેન શ્રોફનું યશસ્વી મહિલા તરીકે અભિવાદન થશે.

નિરંતર પ્રતિકારભર્યો પુરૂષાર્થ કરતા રહી પ્રભૂ પ્રિત્યર્થે જનજનની નિસ્વાર્થ સેવા કરતા નાગરિકોના સન્માનનો ઉપક્રમ શિશુવિહાર સંસ્થાએ છેક ૧૯૯૧થી જાળવી રાખ્યો જે શહેરની સંસ્કારિતા માટે શિરમોર બને છે.

ગુજરાતમાં મૂંઠી ઊચેરા લોક-સેવકોનાં સન્માન માટેના તા.૯, ડીસેમ્બર શિશુવિહાર પ્રાંગણમાં યોજાનાર કાર્યક્રમમાં પધારવા તથા પરમ આદરણીય બાપુના અમૃત વચનનો લાભ લેવા અપીલ કરાઇ છે.

(9:39 am IST)