Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકો ઉપર સાંજથી પ્રચાર પડઘમ બંધ

શનિવારે મતદારોનું ભાવિ ઇવીએમમાં કેદઃ ડોર ટુ ડોર પ્રચાર કરાશે

રાજકોટ તા.૭ : સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકીય મહાનુભાવોનું પ્રચારનું વાવાઝોડુ આગામી ૪૮ કલાકમાં જ શમી જનાર છે. મતદાન આડે માત્ર ૪૮ કલાકનો સમય વધ્યો હોય આજે સાંજના પાંચ વાગ્યા પછી જાજાહેર પ્રચારના ભુંગળા બંધ થશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સભા, સરઘસ, રેલી કાઢવા ઉપર ચૂંટણી અધિકારીએ મનાઇ ફરમાવી દીધી છે. સૌરાષ્ટ્ર-કચ્છની પ૪ બેઠકમાં કુલ ૬૬૮ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. આગામી ૯ ડિસેમ્બરના પ્રથમ તબક્કાની ૮૯ બેઠકનું મતદાન થનાર છે. ચૂંટણી તંત્ર દ્વારા અંતિમ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મતદાનના ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર કરતા મતક્ષેત્ર બહારના વ્યકિતઓને વિધાનસભા વિસ્તાર છોડી દેવા સુચના આપવામાં આવી છે. ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા પ્રચાર યુધ્ધ ચરમસીમાએ પહોંચી ગયુ હતુ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રીઓની ફોજ સહિતના રાજકીય મહાનુભાવોએ વિધાનસભા વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.

આવતીકાલ સાંજના પાંચ વાગ્યાથી જાહેર પ્રચાર બંધ થતા જ રાજકીય ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવનાર છે. મતદારો છેલ્લી ઘડીએ ફરી ન જાય તે માટેના રાજકીય કાવા-દાવા શરૂ થનાર છે. જ્ઞાતિ બેઠક, ગ્રુપ બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ભાવનગર

 ભાવનગર : ભાવનગર જીલ્લાની ૭ વિધાનસભા બેઠકોની ચૂંટણી તા. ૯ને શનીવારે યોજાશે જેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૭ વિધાનસભા બેઠકો પર જિલ્લાનાં ૧૮૮ર મતદાન મથકો અને ૧૬ લાખ રપ હજાર મતદારો છે. આજે સાંજે ચૂંટણીનાં પ્રચાર પડઘમ શાંત થયા હતાં.

પ્રથમ તબકકામાં જ ભાવનગર જીલ્લાની ૭ વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાશે. ભાવનગર જીલ્લાની સાતેય બેઠકોમાં એક એક મતદાન બુથ માત્ર મહિલા સંચાલીત રહેશે. જેમાં માત્ર મહિલા સ્ટાફ જ રહેશે. જિલ્લાનાં તમામ ૧૮રર મતદાન મથકો પર વીવીપેટનો  ઉપયોગ કરાશે જેમાં પણ નોટોનો વિકલ્પ રાખવામાં આવેલ છે. તમામ મતદારોને કાર્ડ આપવામાં આવ્યા છે.

આજે ગુરૂવારે સાંજે ચૂંટણીનાં પડઘમ શાંત થયા હતાં. હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે.

જુનાગઢ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક માટે મતદાનની તૈયારીઓને તંત્ર દ્વારા અંતિમ ઓપ આપવામાં આવેલ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબકકામાં યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકનું મતદાન ૯ ડીસેમ્બર શનીવારનાં રોજ સવારે ૮ થી પ દરમ્યાન થવાનું છે.

મતદાનનાં મહાપર્વને લઇ જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આજે સાંજથી જાહેર પ્રચાર શાંત થશે જેથી સભા, સરઘસ, રેલી વગેરે કરી શકાશે નહિ. માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકાશે.

પાંચ બેઠક માટે કુલ પ૦ ઉમેદવારો મેદાનમાં છે. શનીવારે ૧૧, ૬ર,૪૬૬ મતદારો મતદાન કરશે. કુલ ૧૩૭૦ મથક પર મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અગાઉ ઇવીએમ અને વીવીપેટનું રેન્ડમાઇઝેશન થયેલ આજે બપોર બાદ કર્મચારીઓનું રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવશે. આવતીકાલે આરઓ કક્ષાએથી બુથ  સુધી ઇવીએમ અને વીવીપેટ પહોંચાડવાની કામગીરી થશે.

 ૯ ડિસેમ્બરે મતદાન બાદ તમામ ઇવીએમ વીવીપેટ જુનાગઢમાં કૃષિ યુનિ. ખાતેના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે.

જુનાગઢ જિલ્લામાં ૯ શનીવારે મતદાન દરમ્યાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઇ રહેશે માટે આઇઝ છે. રાજકુમાર પાંડીયનની દેખરેખ હેઠળ એસપી નિલેશ જાજડીયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે ર૩ પેટરા મીલીટરીની ટુકડીના જવાનો ખડેપગે રહેશે.

ખંભાળીયા

ખંભાળીયાઃ દેવભૂમી દ્વારકા જીલ્લામાં ૮૧ - ૮૨ વિધાનસભાની ચૂંટણીમાં આજે સાંજથી જાહેર પ્રચાર પડઘમ બંધ થશે. સાથે સાથે રાત્રી અને ખાનગી મીટીંગોનો ધમધમાટ શરૂ થશે. જીલ્લામાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ કામગીરી હાથ ધરી રહ્યા છે. ઉપરાંત દરેક બુથ મથક પર મહિલા પોલીસ કર્મચારી સહિત મીલ્ટ્રી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે તમામ પરિસ્થિતિનું મતદાન દિવસે વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવનાર છે.

ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને અત્રેના જોધપુર ગેઈટ ખાતે જાહેરસભા યોજવામાં આવી હતી. અમિતભાઈ શાહ દ્વારા કોંગ્રેસ પર આકરા અને તીખા પ્રહારો કરવામાં આવ્યા હતા. યુવા મતદારોને આકર્ષવા પર ખાસ ભાર મુકયો હતો.

 

(12:00 pm IST)