Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ભાણવડ પાસે બોરમાં પડી ગયેલ બે વર્ષના બાળકે દમ તોડ્યોઃ પરિવારમાં માતમ

ચાંદવડના સીમ વિસ્તારની કરૂણ ઘટનાઃ ચારસો ફુટના બોરમાં ૧૮ ફુટે ફસાયેલ બાળક બોરમાં ત્રણ કલાક સુધી મોત સાથે ઝઝુમ્યો

ભાણવડ તા.૭: તાલુકાના ચાંદવડમાં મજુરી કામ અર્થે આવેલા લીમ ખેડાના આદિવાસી પરિવારનો બે વર્ષનો બાળક જીગ્નેશ મુકેશભાઇ નિનામા રમતા રમતા બાજુમાં આવેલા ખુલા ચારસો ફુટના બોરમાં પડી જતાં અઢાર ફુટે ફસાઇ ગયેલ. બનાવની જાણ થતાં ગામલોકો તેમજ આદિવાસી પરિવાર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તંત્રને જાણ કરી હતી તેમ જ ૧૦૮ની ટીમને જાણ કરતા તે તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બોરમાં બાળક માટે ઓકસીજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ દરમ્યાન જામનગરની એનડીઆરએફની રેસ્કયુંટીમને જાણ કરવામાં આવતા તે પણ તાત્કાલીક રવાના થઇ બનાવના સ્થળે પહોંચી ગઇ હતી. બોરમાં ૧૮ ફુટે ફસાયેલા બે વર્ષના આદિવાસી બાળકે ઓકસીજનની વ્યવસ્થા થઇ ગઇ હોવાથી રેસ્કયું ટીમ પહોંચી ત્યાં સુધી આશરે ત્રણેક કલાક મોત સાતે બાથ ભીડી ઝઝુમ્યો હતો.

આમ છતાં બાળકની હાલત નાજુક બની ગઇ હતી અને બોરમાંથી બહાર કાઢીને ૧૦૮ની મદદથી તાત્કાલીક સારવાર માટે ખંભાળીયા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા સારવાર ચાલુ કરી દેવામાં આવેલ પરંતુ ત્રણ કલાક સુધી મોતને મ્હાત આપનાર બે વર્ષના માસુમે ખંભાળીયાની સરકારી હોસ્પીટલના બિછાને પોતાની જીવન લીલા સંકેલી લીધી!

આ દુઃખદ બનાવથી ફરી એકવાર બોરખુલ્લા રાખી દેવાની અક્ષમ્ય બેદરકારી દાખવનારા સામે લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. રોજીરોટી માટે લીમખેડાથી અહિ આવેલા આદિવાસી પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવેલ અને તેમના હૈયાફાટ રૂદને જોનારા તમામની આંખો પણ ભીની કરી દીધી હતી.

(11:57 am IST)