Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગુજરાત બન્યા પછી ૧૩ ચૂંટણી યોજાઇ જેમા જસદણ બેઠક ઉપર આજ સુધીમાં ૪વાર અપક્ષ, ૮વાર કોંગ્રેસ અને ભાજપ માત્ર એક જ વાર પેટા ચૂંટણી જીતેલ છે !

૪ વાર ઇત્તર, બે વાર પટેલ અને ૭ વાર કોળી ઉમેદવાર વિજેતા થયેલ છેઃ સતત ૪ ચૂંટણી જીતવાનો કુંવરજીભાઇ બાવળિયાનો વિક્રમ છે

જસદણ તા.૭ : ગુજરાતમાં સૌ પ્રથમ વખત ચૂંટણી ૧૯૬રમાં યોજાણી હતી ત્યારથી લઇ અત્યાર સુધીમાં કુલ ૧૩ વખત ચૂંટણી યોજાઇ છે જે પૈકી ત્રણ વખત અપક્ષ વિજેતા થયા હતા. જયારે સતત ચાર વખત કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળિયા વિજેતા થયા છે. જયારે ભાજપ ફકત ર૦૦૯ની પેટા ચૂંટણીમાં એક વખત જ વિજેતા થયુ છે. કોંગ્રેસ ૮ વાર વિજેતા થયુ છે અને એકવાર સ્વતંત્ર પાર્ટી વિજેતા થયેલ છે.

૧૯૬૨ની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના વસંતપ્રભા જયસુખલાલ શાહ (૧૧૧૮૬)નો પીએસપીના ગેલાભાઇ કરશનભાઇ છાયાણી (૬પ૦૪) સાથે ૪૬૮ર મતે વિજય થયો હતો. ત્યારે કુલ ચાર ઉમેદવારો હતા અને ૪૦.૭૯ ટકા મતદાન નોંધાયુ હતુ.

૧૯૬૭ની બીજી ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જસદણ રાજવી શિવરાજકુમાર ખાચર (૧૩પપ૩)નો કોંગ્રેસના પ્રભાતગીરી ગોસાઇ (૧૩૪૮૬) સામે ૬૭ મતે વિજય થયો હતો ત્યારે કુલ ત્રણ ઉમેદવાર હતા અને પ૬.૮૧ ટકા મતદાન નોંધાયુ હતુ.

૧૯૭રની ત્રીજી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભાતગીરી ગુલાબગીરી ગોસાઇ (૧૮૮૩૧)નો અપક્ષ ઉમેદવાર ગેલાભાઇ કરશનભાઇ છાયાણી (૧૧૯૯ર) સામે ૬૮૩૯ મતે વિજય થયો હતો ત્યારે ચાર ઉમેદવારો હતા અને ૪૮.૯૪ ટકા મતદાન નોંધાયુ હતુ.

૧૯૭૫ની ચોથી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જસદણ રાજવી શિવરાજકુમાર ખાચર (ર૭૪૮૬)નો કોંગ્રેસના પ્રભાતગીરી ગુલાબગીરી ગોસાઇ (૧૬ર૮૭) સામે ૧૧૧૯૯ મતે વિજય થયો હતો એ સમયે ૭૦.પપ ટકા મતદાન નોંધાયુ હતુ અને ફકત બે જ ઉમેદવારો હતા.

૧૯૮૦ની પાંચમી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મામૈયાભાઇ હરીભાઇ ડાભી (૧૯૦૪૧) તો કોંગ્રેસના પ્રભાતગીરી ગુલાબગીરી ગોંસાઇ (૧૪૪૧૩) સામે ૪૬ર૮ મતે વિજય થયો હતો. એ સમયે કુલ છ ઉમેદવારો હતો અને ભાજપે સૌ પ્રથમ વખત જગદીશભાઇ આચાર્યને લડાવ્યા હતા. મતદાન પર.૯૦ ટકા થયુ હતુ.

૧૯૮૫માં છઠ્ઠી ચૂંટણીમાં કોંગ્રેસના મામૈયાભાઇ હરીભાઇ ડાભી (ર૪૭૩૬)નો જનતા પાર્ટીના ભીખાલાલ ભીમજીભાઇ બાંભણીયા (૧૪૭૩૪) સામે ૧૦,૦૦ર મતથી વિજય થયો હતો ત્યારે ભાજપના ભાસ્કરભાઇ થડેશ્વરને પ૯૬૩ મત મળ્યા હતા. કુલ સાત ઉમેદવારો હતા અને પ૦.૯૮ ટકા મતદાન થયુ હતુ.

૧૯૯૦ની સાતમી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ભીખાભાઇ ભીમજીભાઇ બાંભણીયા (૧૯૧૧ર)નો જનતાદળના કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયા ૧૦૯રપ) સામે ૮૧૮૭ મતે વિજય થયો હતો. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર લખમણભાઇ રામજીભાઇ સોલંકીને ૮પપપ મત અને અપક્ષ ઉમેદવાર નજુભાઇ દેવકુભાઇ વાળાને ૬૮૭૬ મત યુવા વિકાસ પાર્ટીના પોપટભાઇ અમરશીભાઇ રાજપરાને પ૯૪પ મત, પ્રભાતગીરી ગોસાઇ (અપક્ષ)ને ૬૦ર૩ મત મળ્યા હતા. કુલ ૧૬ ઉમેદવારો હતા અને પ૦.૦પ ટકા મતદાન થયુ હતુ.

૧૯૯પની આઠમી ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયા (૪૬ર૦૭)નો ભાજપના અરજણભાઇ લીંબાભાઇ રામાણી (ર૪૬૦૩) સામે ર૧૬૦૪ મતે વિજય થયો હતો. અપક્ષ ઉમેદવાર ભીખાભાઇ બાંભણીયાને ૧પ૩૮૭ મત મળ્યા હતા. કુલ બાર ઉમેદવારો હતા અને ૬પ.૪૩ ટકા મતદાન નોંધાયુ હતુ.

૧૯૯૮ની નવમી ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયા (૪૦૪૭૩)નો ભાજપના ભાસ્કરભાઇ જમનાદાસભાઇ થડેશ્વર (ર૭૧૭૩) સામે ૧૩૩૦૦ મતે વિજય થયો હતો. એ સમયે વેલાભાઇ ગેલાભાઇ છાયાણી (અપક્ષ)ને ૧૧૬૯૦ મત મળ્યા હતા. કુલ આઠ ઉમેદવાર હતા અને ૬૧.૧૦ ટકા મતદાન નોંધાયુ હતુ.

૨૦૦૨ની ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઇ મોહનભાઇ બાવળીયા (૭૧ર૯૬)નો ભાજપના શીવલાલ નાગજીભાઇ વેકરીયા (પ૦૬૯૭) સામે ર૦પ૯૯ મતે વિજય થયો હતો. કુલ પાંચ ઉમેદવારો હતા અને ૭૭.પ૬ ટકા મતદાન નોંધાયુ હતુ.

ર૦૦૭ની ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળીયા (૬૪૬૭૪)નો ભાજપના પોપટભાઇ અમરશીભાઇ રાજપરા (૩૮૯૯પ) સામે રપ૬૭૯ મતે વિજય થયો હતો. અપક્ષ ઉમેદવાર ભીખાભાઇ બાંભણીયાને ૬૦રપ મત મળ્યા હતા. કુલ સાત ઉમેદવાર હતા.

ર૦૦૭ની ચૂંટણી બાદ ર૦૦૯માં જસદણના કોંગી ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા રાજકોટ બેઠક ઉપર લોકસભામાં વિજેતા થતા જસદણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા ર૦૦૯માં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ડો.ભરતભાઇ બોઘરા (પ૯૯૩૪)નો કોંગ્રેસના ભાવનાબેન કુંવરજીભાઇ બાવળિયા (૪પ૧૬૦) સામે ૧૪૭૭૪ મતે વિજય થયો હતો. અપક્ષ ઉમેદવાર ભુપતભાઇ ડાભીને ૧૧૪૩ર મત મળ્યા હતા. કુલ ૧ર ઉમેદવારો હતા અને ૬૯.૮૭ ટકા મતદાન નોંધાયુ હતુ.

૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલ (૭૮૦પપ)નો ભાજપના ડો.ભરતભાઇ બોઘરા (૬૭ર૦૮) સામે ૧૦૮૪૭ મતે વિજય થયો હતો. જીપીપીના દેવશીભાઇ ટાઢાણીને ૭૦ર૮ મત મળ્યા હતા. કુલ ૧૬ ઉમેદવારો હતા અને ૮૦.૬ર ટકા મતદાન થયુ હતુ.

જસદણ બેઠકમાં ૧૯૯પ, ૧૯૯૮, ર૦૦ર, ર૦૦૭ એમ સતત ચાર ચૂંટણીમાં જીતવાનો કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળિયાનો રેકોર્ડ છે. જસદણ બેઠકમાં આઝાદીથી લઇને આજ સુધીમાં માત્ર એક જ વખત પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યુ છે. જસદણ બેઠકમાં કુલ તેર વખત યોજાયેલી ચૂંટણીમાં ચાર વખત ઇત્તર, બે વખત પટેલ અને સાત વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે અત્યારની ચૂંટણીમાં કોણ જીતશે તેના ઉપર સૌની નજર છે.

 

(11:51 am IST)