Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

કચ્છ કોંગ્રેસમાં ભડકો: ભુજ બેઠકના દાવેદાર રાજેન્દ્રસિંહ હુકમતસિંહ જાડેજા સહિત ૨૦ ના રાજીનામા

ભુજ પાલિકાના વિપક્ષી નેતા, નગરસેવકો, પ્રદેશ મહિલા ઉપપ્રમુખના રાજીનામાએ સર્જી રાજકીય હલચલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ :  વિધાનસભાની ચુંટણી પૂર્વે કચ્છ કોંગ્રેસમાં એક સામટા ૧૮ રાજીનામાએ  રાજકીય હલચલ સર્જી છે. ભુજ બેઠકના પ્રબળ દાવેદાર અને કોંગ્રેસના આક્રમક યુવા નેતા, ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ રાજીનામુ આપ્યું છે. પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને ઉદ્દેશીને રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાનું રાજીનામું મોકલ્યું છે. છેલ્લા બે દાયકાથી ભુજમાં પ્રજાકીય પ્રશ્નો અંગે લડત ચલાવતા આક્રમક યુવા નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને ત્રણ પાનાનો પત્ર લખ્યો છે. જેમાં પોતે કરેલ પક્ષની સેવા તેમ જ તેમના પિતા હકુમતસિંહ જાડેજા દ્વારા કોંગ્રેસ પક્ષ માટે અપાયેલા યોગદાન વિશે ઉલ્લેખ કર્યો છે. પોતાના પત્રમાં તેમ જ મીડિયા સાથે વાતચીત દરમ્યાન રાજેન્દ્રસિંહ જાડેજાએ પ્રદેશ નેતાગીરી દ્વારા ભુજ મત વિસ્તારના ઉમેદવારનું નામ હજી સુધી જાહેર ન કરાયું હોવાનું જણાવી આવી અવઢવમાં કામ કેમ કરવું? એવો સવાલ કરતા કહ્યું હતું કે, પક્ષ કહી દે લડવું છે અથવા આ વખતે ટિકિટ નહીં મળે પક્ષ માટે કામ કરો. પણ, જે ઉમેદવાર હોય તેને સમય મળવો જોઈએ. દરમ્યાન તેમના સમર્થનમાં ભુજ પાલિકાના વિપક્ષી નેતા કાસમ સમા અને અન્ય નગરસેવકો આઇસુબેન સમા, ફાલ્ગુનીબેન ગોર, મરિયમબેન સમા, મંજુલાબેન ગોર, રાણબાઈ મહેશ્વરી, હમીદ સમા એ તેમ જ પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રસિકબા જાડેજા, પૂર્વ વિપક્ષી નેતા ફકીરમામાદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, હાસમ સમા, હિંમતસિંહ જાડેજા, કાજલબેન ઠકકર, પુનીતાબેન ચૌહાણ, કરીમાબેન પઠાણ, જયદેવ ગઢવી દ્વારા રાજીનામા અપાયા છે. કોંગ્રેસે બે દિવસ પહેલા કચ્છની ૬ બેઠકો પૈકી બે બેઠક અંજાર માટે રમેશ ડાંગર અને ગાંધીધામ માટે ભરત સોલંકીની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે.

 

(10:01 am IST)