Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભાવનગરના ૯૭ વર્ષની વયે કાર્યરત વૈજ્ઞાનિક પ્રો. સુખદેવ વિશ્વ સ્તરે ચમકયા

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ ૧૫૦૦ વૈજ્ઞાનિકોમાં સ્થાન ભાવેણાના : પદ્મભૂષણ સુખદેવજી કાર્બનિક રસાયણશાસ્ત્રમાં કરી રહ્યા છે સંશોધન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૭ : સફળતા મળે કે નિષ્ફળતા પરંતુ સતત નવું કાર્ય કરતા રહેવાથી ઉંમરની અસર થતી નથી. આ વાતનું જીવંત ઉદાહરણ ભાવનગરમાં રહેતા ૯૭ વર્ષના પદ્મવિભૂષણ પ્રોફેસર સુખદેવ છે. તેમને હાલમાં અમેરિકાની જાણીતી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા ભારતના શ્રેષ્ઠ ૧૫૦૦ વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવવામાં આવ્યા છે. તેઓ કાર્બનિક રસાયણ શાસ્ત્રના ભીષ્મપિતા તરીકે ભારતમાં ઓળખાય છે.

પ્રો.સુખદેવ ૧૯૭૪માં માલતી કેમ સંશોધન કેન્દ્રમાં જોડાયા હતાં. તે દરમિયાન વનસ્પતિમાંથી મળતાં જટિલ રાસાયણિક સંયોજનોને છૂટા પાડીને તેમનું બંધારણ સાબિત કરી આ સંયોજનોનો ઉપયોગ માનવજાતના રોગ સામે લડવા માટે ઉપયોગી છે તેવું સાબિત કરેલું છે. યાદીમાં તેમના પ્રદાનને ટોકસિકોલોજી નામના વિષયમાં ૭૫૪ નંબર ઉપર દર્શાવવામાં આવેલ છે. ભાવનગર યુનિવર્સિટી રસાયણશાસ્ત્ર ભવનના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો.નિશીથ દેસાઈએ જણાવ્યું કે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જે વૈજ્ઞાનિકોના નામ જાહેર કરવામાં આવ્યા છે તે તમામ વિશ્વવિદ્યાલયો અથવા સરકારી કે અર્ધસરકારી સંશોધન સંસ્થાઓમાં જોડાયેલા છે અથવા જોડાયેલા હતા. પરંતુ ડો. સુખદેવ એકમાત્ર એવા વૈજ્ઞાનિક છે કે જેઓ ખાનગી માલતી કેમ નામના સંશોધન કેન્દ્રમાં કાર્ય કરતા હતા અને આ સમય દરમિયાન તેમણે જે કાર્ય પ્રકાશિત કર્યું છે તેના ઉપર તેમના વૈજ્ઞાનિક કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જે એક અસાધારણ ઘટના ગણી શકાય.

ભાવનગરમાં રહેતા વૈજ્ઞાનિક દ્વારા ૩૫ વર્ષ પૂર્વે કરેલા કાર્યને આજે ૨૦૨૦માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા લિસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.તે સ્વયં સ્પષ્ટ કરે છે કે તેઓ દ્વારા ૧૯૭૦થી ૧૯૮૫માં કરેલું કાર્ય કેટલું ગુણવત્તાસભર હશે. આ યાદીમાં કદાચ એકમાત્ર ૯૭ વર્ષના વયોવૃદ્ઘ વૈજ્ઞાનિક હશે, જેઓ હાલમાં પણ દિવસભર પોતાના સંશોધન પરત્વે કાર્યરત રહે છે.તેમનું વૈજ્ઞાનિક જીવન હાલની પેઢી માટે પ્રેરણાદાયક છે.

(11:40 am IST)