Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સોમવારે જુનાગઢનો આઝાદી દિન

૧પ ઓગષ્ટ ૧૯૪૭ના દેશ આઝાદ થયેલ, પરંતુ અંતિમ નવાબની અવળચંડાઇથી જૂનાગઢને ૯ નવેમ્બરે આઝાદી પ્રાપ્ત થયેલ

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૭: સોમવારે તા.૯ નવેમ્બરના રોજ જુનાગઢનો આઝાદી દિન છે. ભારત દેશ અંગ્રેજોની ચુંગલમાંથી ૧પ ઓગષ્ટ ૧૯૪૭નાં રોજ આઝાદ થયેલ. જુનાગઢને ત્રણ મહિના અને ૬ દિવસ બાદ આઝાદી પ્રાપ્ત થયેલ.

૧પ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ સમગ્ર દેશ આઝાદીની ખુશી મનાવી રહયો હતો.  પરંતુ જુનાગઢવાસીઓના નસીબમાં આઝાદીની ખુશી ૧પ ઓગષ્ટના ૧૯૪૭ના રોજ નસીબ થયેલ નહી.

આ દિવસે જુનાગઢના અંતિમ નવાબની અવળચંડાઇને કારણે જુનાગઢના લોકો આઝાદીની ખુશી મનાવી શકયા ન હતા. નવાબે પાકિસ્તાનના વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પિતાની ચડામણીથી જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી તેઓ પાકિસ્તાન જતા રહેલ. જુનાગઢ ભારતનો હિસ્સો હોવા છતા જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાની બાબતથી દેશવાસીઓ સમસમી ઉઠયા હતા.

જો કે પળભરનો વિલંબ કર્યા વગર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ, શામળદાસ ગાંધી વગેરેની આગેવાનીમાં જુનાગઢને આઝાદી અપાવવા માટે આરઝી હકુમતની લડત શરૂ થયેલ.

સરદાર વલ્લભભાઇ પટેલના અથાગ પ્રયાસો તેમજ અનેકના યોગદાન વગેરેને લઇ આખરે ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ જુનાગઢને આઝાદી પ્રાપ્ત થયેલ.

૧પ ઓગષ્ટ ૧૯૪૭ બાદ એટલે કે ત્રણ મહિના છ દિવસ બાદ જુનાગઢમાં આઝાદી મનાવવા આવેલ. આરઝી હકુમતની લડતને કારણે નવાબને અને તેના માણસોને ભારે પડી ગયું હતું.

આમ સોમવારે  ૯ નવેમ્બરના રોજ જુનાગઢનો મુકિત દિવસ છે.  જો કે આ વર્ષે કોરોના સંકટને લઇ ઉજવણીના વિશેષ કાર્યક્રમોનું આયોજન હોય તેમ જણાયુ નથી. પરંતુ આ દિવસે આરઝી હકુમતના લડવૈયાઓને યાદ કરી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરાશે.

(11:30 am IST)