Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

કાલે મધરાતથી ગિરનારની પરિક્રમાનો વિધિવત પ્રારંભ

વરસાદી વાતાવરણ અને ખેતીની મોસમને લઇ આ વર્ષે યાત્રિકોની સંખ્યા ઘટવાની શકયતા : છેલ્લા ત્રણ દિવસથી ભાવિકોનો ભવનાથમાં પડાવ, રૂટના પ્રવેશ દ્વાર ખુલવાની પ્રતિક્ષા, પોલીસ બંદોબસ્ત-અન્નક્ષેત્રો શરૂ

 જુનાગઢ, તા. ૭ : કાલે મધરાતથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. આ વર્ષે વાવાઝોડાના સંભવિત સંકટને લઇ આગોતરી પરિક્રમા શરૂ થઇ શકી નથી જેના પરિણામે છેલ્લા ત્રણ દિવસથી યાત્રિકોને ભવનાથ ખાતે પડાવ કર્યો છે.

ભકિત, ભજન, અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન દર વર્ષે કારતક સુદ ૧૧ની મધરાતથી ગરવા ગિરનાર ફરતે ૩૬ કિ.મી.ની પાવનકારી લીલી પરિક્રમા યોજાય છે.

આ વર્ષે આવતીકાલની મધરાતથી પરિક્રમાનો મંગલારંભ થશે. છેલ્લા પાંચ  દિવસથી વાવાઝોડુ અને વરસાદના સંકટના વાદળા ઘેરાયા છે. બીજી તરફ તંત્રએ કારતક સુદ ૧૧ની મધરાતથી જ પરંપરા મુજબ પરિક્રમા રૂટનો પ્રવેશ દ્વાર ખોલવાનો આદેશ કર્યો છે.

આમ છતાં છેલ્લા ત્રણ દિવસથી આગોતરી પરિક્રમા માટે ઉતાવળીયા યાત્રિકોનું ભવનાથ ખાતે આગમન થઇ રહ્યું છે.

વરસાદ અને અન્ય કોઇ વિપરીત સ્થિતિ નહિ હોય તો આવતીકાલથી રાત્રીના ૧રના ટકોરે ભાવિકોને સાધુ-સંતો, આગેવાનો-અધિકારીઓ વગેરે પરંપરા મુજબ પરિક્રમાના માર્ગે પ્રસ્થાન કરાવી શુભેચ્છા સાથે વિદાય આપશે.

બીજી તરફ વાવાઝોડાની સંભવીતાને લઇ એસ.ટી. નિગમે આવતીકાલથી પરિક્રમામાં ભાગ લેવા આવનારા અને પરત જનારા યાત્રિકો માટે બસ સેવા શરૂ કરાશે.

આમ છતા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીની સુચના મુજબ એસ.ટી. બસ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

લીલી પરિક્રમાને લઇ ભવનાથ અને રૂપાયતના માર્ગે અન્નક્ષેત્રો શરૂ કરી દેવાયા છે. પૂ. શ્રી શેરબનાથબાપુના આશ્રમે પણ ભોજન પ્રસાદની સેવા શરૂ કરી દેવાઇ છે.

પરિક્રમા સંબંધી ગઇકાલેથી ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ પવારની સુચના મુજબ એસપી સૌરભસિંઘ દ્વારા પોલીસ બંદોબસ્ત શરૂ કરી દેવામાં આવેલ છે. નિયત જગ્યાએ રાવટીઓ કાર્યરત કરી પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા છે.

દરમ્યાનમાં પરિક્રમાનો પ્રવેશ દ્વાર હજુ ખોલવામાં આવેલ નથી છતાં કેટલાક ભાવિકોએ ગિરનાર જંગલમાં પ્રવેશ કરતા ૧૦ યાત્રાળુને વન વિભાગે બોરદેવી પાસે અટકાવ્યા હતાં.

છેલ્લે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ સવારે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, વરસાદ નહિ હોય તો આવતીકાલે પરંપરા મુજબ ભાવિકોને પરિક્રમાના મુખ્ય દ્વાર ખાતેથી પરિક્રમા માટે ગિરનાર જંગલમાં પ્રવેશ આપવામાં આવશે.

(1:55 pm IST)