Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જુનાગઢ ઉપલા દાતારમાં મહાપર્વ ઉર્ષની ઉજવણીનો પ્રારંભ

પૂ.ભીમબાપુના સાનિધ્યમાં રાત્રે દાતાર બાપુના અમુલ્ય આભુષણોની ચંદનવિધીઃ કડક પોલીસ બંદોબસ્ત

જૂનાગઢ તા. ૭ :.. જૂનાગઢ કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતાર ખાતે આજથી મહા પર્વ ઉર્ષનો પૂ. ભીમબાપુના સાનિધ્યમાં પ્રારંભ થયો છે.

જેમાં આજે રાત્રે દાતારબાપુની ગુફામાંથી દાતારબાપુના અમુલ્ય આભુષણો કે જે વર્ષમાં એકવાર બહાર કાઢી ગંગાજળ દૂધ પંચામૃત કેસર મિશ્રિત ચંદની વિધીવત પુજા કરવામાં આવશે અને ત્યારબાદ આખી રાત ભાવિકોના દર્શનાર્થે રખાશે.

આ આભૂષણોના દર્શન માટે મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાવિકો ઉમટે છે અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે બાદમાં વહેલી સવારે આ આભૂષણોને સન્માનપૂર્વક પુન આ ગુફામાં પૂ. ભીમબાપુ દ્વારા પધરાવાશે.

આ ચાર દિવસીય મહાપર્વ ઉર્ષ દરમ્યાન તા. ૮ ને શુક્રવારના રોજ આરામનો દિવસ અને તા. ૯ને શનિવારે રાત્રે મહેંદી દિપમાલા દાતારની ટેકરી અને ગુફાની આસપાસ દિવડાઓની દિવાળીની જેમ દિપ માળા કરશે અને તા. ૧૦ને રવિવારે ધુપ લોબાન સાથે આ મહાપર્વ ઉર્ષની પૂર્ણાહુતિ થશે તો આ મહાપર્વ ઉર્ષનો લાભ લેવા સર્વ હિન્દુ-મુસ્લિમ શીખ ઇસાઇ પારસી ધર્મ ભકતો ઉપલા દાતારના મહંત પૂ. ભીમબાપુ ગુરૂશ્રી પટેલ બાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. આ ઉર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે કોઇ અનિચ્છિનીય બનાવ ન બને અને કાયદોને વ્યવસ્થા જળવાય રહે તે માટે રેન્જના ડીઆઇજી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવારની સૂચના અને એસપી સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
જુનાગઢ ઉપલા દાતારની જગ્યા ખાતે આજથી મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થયો છે ત્યારે આજે રાત્રે પ્રથમ દિવસે દાતારબાપુના અમુલ્ય આભૂષણોની ચંદનવિધી કરવામાં આવશે ઉપરોકત તસ્વીરમાં દાતારબાપુની ગુફામાં બિરાજી આશિવાર્દ આપતા મહંત ભીમબાપુ તેમજ રાત્રે જે આભૂષણોની ચંદનવિધી થનાર છે તે અમુલ્ય આભુષણો અને ફાઇલ તસ્વીરમાં આભૂષણોની ચંદન વિધી કરતા બ્રહ્મલીન સંત વિઠ્ઠલબાપુ સાથે પુ.ભીમબાપુ શેરનાથબાપુ અને દર્શન માટે ઉમટી પડેલ ભવિકો નજરે પડે છે. (તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:51 pm IST)