Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સુરેન્‍દ્રનગરમાં વ્‍યાજખોરોએ માઝા મૂકી : પરિવારને મારી નાખવાની ધમકી : વેપારીએ રૂ.૪.૭૫ લાખ વ્‍યાજે લીધા બાદ વ્‍યાજ સહિત ૩૫ લાખની માંગણી : બે સામે ફરીયાદ

 વઢવાણ, તા. ૭ : જવાહર ગ્રાઉન્‍ડ પાછળ આવેલ સરદાર સોસાયટી વિસ્‍તારમાં રહેતાં અભિષેકભાઈ મેહુલભાઈ શેઠ પરિવાર સાથે રહે છે અને લોખંડનો વેપાર કરી કમીશન મેળવી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્‍યારે તેઓને ધંધામાં રૂપિયાની જરૂરીયાત હોય તેમનાં મિત્ર સંકેતભાઈને વાત કરતા આથી રૂપિયા ૬૦,૦૦૦ દોઢ ટકા લેખે વ્‍યાજે વિજયભાઈ કાઠી રહે.નવો ૮૦ ફુટ રોડ, વઢવાણવાળા પાસેથી લેવાનું નક્કી કર્યું હતું.

પરંતુ વિજયભાઈ કાઠી પોતે હત્‍યા કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યાં હોય આ રકમ તેમનો વહિવટ કરતા વ્‍યક્‍તિ જીતુભાઈ ધાંધલે આપ્‍યાં હતાં. તેમજ ત્‍યારબાદ કટકે કટકે ત્રણ મહિનાના સમયગાળા દરમ્‍યાન ૪,૧૫,૦૦૦ જેટલી રકમ વ્‍યાજે લીધી હતી આમ કુલ મળી રૂા. ૪,૭૫,૦૦૦ જેટલી રકમ વ્‍યાજે લીધી હતી અને તે પૈકી રૂા. ૧,૫૫,૦૦૦ જેટલી રકમ પરત આપી હતી પરંતુ આ રકમ વિજયભાઈ કાઠીએ ૧૫ ટકા વ્‍યાજ ગણી જમા લીધી હતી અને ત્‍યારબાદ અવાર-નવાર કડક ઉદ્યરાણી કરી હતી અને વર્ષ ૨૦૧૭ થી ૧૫ થી ૨૦ ટકા વ્‍યાજ ગણી અંદાજે રૂા. ૩૫,૦૦,૦૦૦ની માંગ કરી હતી આથી ફરિયાદી અભિષેકભાઈએ અન્‍ય સગા-સબંધીઓ પાસેથી રૂપિયા એકત્ર કરી ફરી રૂા. ૩,૨૦,૦૦૦ જેટલી રકમ આંગડીયા મારફતે આપી હતી પરંતુ તેમ છતાંય વિજયભાઈ કાઠી અને જીતુભાઈ ધાંધલ દ્વારા અવાર-નવાર ફોન પર ધમકીઓ આપવામાં આવતી હતી અને માતા-પિતાને ધમકી આપી આ રકમ નહીં આપે તો રહેણાંક મકાનનો કબ્‍જો કરી ઘર ખાલી કરાવવાનું પણ જણાવવામાં આવતું હતું આથી વ્‍યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળી અભિષેકભાઈ પોતાનો પરિવાર છોડી અમદાવાદ રહેવા જતાં રહ્યાં હતાં.

ત્‍યારબાદ પણ અવાર-નવાર વ્‍યાજખોરો દ્વારા જાનથી મારી નાંખવાની તેમજ મકાન ખાલી કરવાની ધમકી આપી ખોટી રીતે ૩૫,૦૦,૦૦૦ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતાં શહેરનાં એ ડિવીઝન પોલીસ મથકે બે શખ્‍સો વિજયભાઈ કાઠી અને જીતુભાઈ ધાંધલ બંન્ને રહે.નવો ૮૦ ફુટ રોડવાળા સામે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ પીએસઆઈ સી.એચ.શુક્‍લ સહિતનાઓ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્‍દ્રનગર જિલ્લામાં વ્‍યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે અને અગાઉ પણ અનેક પરિવારો વ્‍યાજના વિષચક્રમાં હોમાઈ ચુક્‍યા છે તેમજ અનેક લોકોએ વ્‍યાજખોરોના ત્રાસથી આત્‍મહત્‍યા પણ કરી છે ત્‍યારે ફરી વ્‍યાજખોરોના માનસિક ત્રાસનો બનાવ સામે આવ્‍યો છે ત્‍યારે પોલીસ ઝડપથી વ્‍યાજખોરોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

(1:41 pm IST)