Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જેતપુરના ડી.વાય.એસ.પી. જે.એમ. ભરવાડની ધરપકડ થાય તો જામીન મુકત કરવા સુપ્રીમનો હુકમ

લાખોની લાંચના આરોપમાં ભાગેડુ જાહેર કરતાં સુપ્રીમમાં અરજી કરી હતી

રાજકોટ તા ૬  : હથીયારના ગુન્હામાં ખોટીરીતે સંડોવી દેવાની બીક બતાવી આઠ લાખ રૂપિયાની લાંચના પ્રકરણમાં ધોરાજીની અદાલત દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવેલ ડી.વાય.એસ.પી. જે.એમ. ભરવાડને સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે. ધરપકડ થયેથી તાત્કાલીક જામીન પર મુકત કરવાનો આદેશ સર્વોચચ અદાલતે કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ધોરાજીના સુપડી ગામ ખાતે રહેતા દેસુર નથુભાઇ ભીટ (રબારી)ના એ તા.૦૪/૦૮/૨૦૧૯ના રોજ રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી કે, તેના મિત્ર યુવરાજસિંહનું નામ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતેના આર્મ્સ એકટના ગુન્હામાં ખુલેલ હોય, જે કેસમાં યુવરાજસિંહને માર નહીં મારવા તેમજ કંઇ પુછપરછ નહીં કરવા ડી.વાય.એસ.પી. જે.એમ. ભરવાડના કહેવાથી કોન્સ્ટેબલ વિશાલ ગોવિંદભાઇ સોનારાએ દસ લાખની લાંચની માંગણી કરેલ હતી, જે રકમ રકઝકના અંતે આઠ લાખ રૂપીયા નક્કી કરેલ હતા. ફરીયાદીએ વાયદામુજબ વિશાલ સોનારાને ધોરાજી પાસે આવેલ આવકાર હોટલ ખાતે રૂપીયા આઠ લાખ દેતા એ.સી.બી.ના અધિકારીઓએ વિશાલ સોનારાને રંગેહાથ ઝડપી લીધેલ હતો અને તેની પુછપરછમાં તમામ રકમ ડી.વાય.એસ.પી. જે.એમ. ભરવાડ વતી પોતે સ્વીકારેલ હોવાનું જણાવતા પોલીસે જે.એમ. ભરવાડને પકડવા ચક્રો ગતિમાન કરતા ભરવાડે સેશન્સ અદાલત તેમજ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજીઓ કરેલ હતી. જે નામંજુર થતાં તપાસ કરનાર અમલદારે ધોરાજીની અદાલતમાંથી આરોપી ભરવાડ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું  વોરંટ કઢાવેલ હતું. અને તે વોરંટ અન્વયે પણ આરોપી હાજર ન થતાં તેને ભાગેડુ આરોપી જાહેર કરવાની કાર્યવાહી કરેલ હતી અને અદાલતે તા. ૨૧/૧૦/૨૦૧૯ ના રોજ આરોપી ભરવાડને ભાગેડું જાહેર કરવા હુકમ કરેલ હતો.

પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીઓ તથા ધોરાજી સ્પેશ્યલ કોર્ટના હુકમોને ડી.વાય.એસ.પી. જે.એમ. ભરવાડે તેના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સુપ્રિમ કોર્ટમાં પડકારેલ હતા. જે અરજીઓ સુનાવણી માટે આવતા મુખ્યત્વે એવી રજુઆતો કરેલ હતી કે, ભરવાડે કોઇ રકમ માંગેલ કે, સ્વીકારેલ હોય તેવો પુરાવો નથી. આરોપીની જાણ બહાર તેમના નામે કોઇપણ વ્યકિત કોઇપણ રકમ માંગે કે સ્વીકારે તો તેના માટે તેઓ જવાબદાર નથી અને આવા સહતહોમતદારના નિવેદનના આધારે ખોટી રીતે તેઓને સમગ્ર પ્રકરણમાં સંડોવવા માટેની પેરવી થઇ રહેલ છે, તેમજ તેઓએ છેલ્લા થોડા મહિનાઓમાં ગેરકાયદેસર ખાણખનિજ અને રેતીની ચોરી થતી રોકવા માટે ઘણા કેસો કરેલ હોય ચોક્કસ લોબી તેમને હેરાન કરવા માટે ખોટી રીતે તેમને કેસમાં સંડોવવા પ્રયત્નશીલ છે. જેથી આરોપીને પોલીસ દ્વારા કે અદાલતના વોરંટના આધારે ધરપકડ કરવામાં આવે તેવી દહેશત હોય તેની સામે યોગ્ય રક્ષણ આપવા રજુઆત કરેલ હતી.

સરકાર પક્ષે પણ મેટર એકસપાર્ટી ન ચાલે તે માટે સુપ્રિમ કોર્ટમાં કેવીએટ દાખલ કરવામાં આવેલ હતી અને તપાસ કરના અમલદાર દ્વારા સરકારી વકીલ મારફતે આરોપીને કોઇપણ પ્રકારની રાહત કે રક્ષણ આપવાની માંગણીનો સખ્ત વિરોધ કરવામાં આવેલ હતો.

તમામ પક્ષકારોની રજુઆતોના અંતે સર્વોચ્ચ અદાલતે કેસમાં નોટીસ ઇસ્યુ કરી આરોપી જે.એમ.ભરવાડને અટક કરવાનો પ્રસંગ બને તો તેઓને તાત્કાલીક જામીન પર મુકત કરવા તણપાસ કરનાર અમલદાર તથા ધોરાજીની અદાલતને આદેશ કરેલ હતો. વિશેષમાં સર્વોચ્ચ અદાલતે આરોપીને તા. ૦૮/૧૧/૨૦૧૯ના રોજ તેમજ ત્યારબાદ તપાસ કરનાર અમલદાર લેખીત નોટીસ આપી જયારે પણ  બોલાવે ત્યારે હાજર રહેવાનો અને તપાસમાં સહકાર આપવાનો હુકમ કરેલ હતો.

આમ લાંબી કાનુની લડતના અંતે ડી.વાય.એસ.પી. જે.એમ. ભરવાડને સર્વોચ્ચ અદાલતે ધરપકડ સામે રક્ષણ આપતા કેસમાં હવે શું થશે તે બાબતે સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયેલ છે.

આ કામમાં સુપ્રિમ કોર્ટમાં ડી.વાય.એસ.પી જે.એમ. ભરવાડ વતી રાજકોટના જાણીતા યુવા એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્ત્ત્વન મહેતા, ગોૈરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ, અંશ ભારદ્વાજ, હાર્દિક શેઠ, હર્ષ ભીમાણી રોકાયેલ હતા.

(1:02 pm IST)