Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ભાવનગરમાં નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસનો પ્રારંભ

આઠ દિવસની ટુર્નામેન્ટમાં દેશભરના ૭૫૦ ખેલાડી ભાગ લેશેઃ ગોલ્ડ માટે ગુજરાતની મેન્સ ટીમ મુખ્ય દાવેદાર

ભાવનગર તા.૭: સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટસ કોમ્પલેકસ (સિદસર)ખાતે યુટીટી નેશનલ રેન્કિંગ (સેન્ટ્રલ ઝોન) ટેબલ ટેનિસનો પ્રારંભ થશે. સાતમીથી ૧૪મી નવેમ્બર દરમિયાન યોજાનારી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરના ૭૫૦ ખેલાડી ભાગ લેશે જેને સ્ટેગ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે અને તેના સહ સ્પોન્સર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) છે.

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના આશ્રય હેઠળ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે.

ભાવનગરે અગાઉ ઘણા ઇન્ટરનેશનલ અને નેશનલ સ્ટાર ખેલાડી આપ્યા છે અને હવે તે આ પ્રકારની ટુર્નામેન્ટનું પહેલી વાર યજમાન બન્યું છે.

આ ટુર્નામેન્ટનું સૌથી મોટું આકર્ષણ સ્થાનિક ખેલાડીઓ રહેશે તેમાં શંકા નથી. દેશમાં મોખરાના ક્રમાંક ધરાવતા અને સુરતના માનવ ઠકકર ગુજરાતની ટીમની આગેવાની લેશે. તેની સાથે ગુજરતની ટીમમાં માનુષ શાહ (વડોદરા), ઇશાન હિંગોરાણી (કચ્છ),ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ) અને જિજ્ઞેશ જયસ્વાલ (ભાવનગર) રહેશે.

ગુજરાત માનવને ફળ્યું છે કેમ કે તે છેલ્લે ગુજરાતમાં રમ્યો ત્યારે તેણે પાંચ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. ત્રણ વર્ષ અગાઉ તે બરોડા જુનિયર અને યૂથ નેશનલ રમ્યો હતો. આ વખતે પણ આ યુવાન ખેલાડી આત્મવિશ્વાસથી ભરપુર જણાય છે.

માનવે જણાવ્યું હતું કે ''ગુજરાત પાસે મેન્સ ટાઇટલ જીતવાની ઉમદા તક છે કેમ કે તેની પાસે માનુષ શાહ, ઇશાન અને જિજ્ઞેશ જયસ્વાલ જેવા ખેલાડી છે. અહીંની પરિસ્થિતિ સુંદર છે અને બોલ્સ તથા ટેબલ પણ ઉમદા કક્ષાના છે. હું અહીં રમવા અને સારો દેખાવ કરવા આતુર છું.''

ગુજરાત માટે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મોટો પડકાર છે.

ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ખેલાડી અને હવે ગુજરાતના પસંદગીકાર પથિક મહેતાએ પણ માનવની માફક જ પ્રતિભાવ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ''માનવ અને માનુષ શાનદાર ફોર્મમાં છે. ટીમ ઇવેન્ટમાં ગુજરાત ફેવરિટ છે. તેમણે નેશનલ લેવલ પર મજબૂત દેખાવ કરીને આ પુરવાર કરી દીધું છે. ગુજરાતના તમામ ટેબલટેનિસ પ્રેમીઓ માટે આ બંનેને રમતા નિહાળવા એક લહાવો બની રહેશે.''

ગુજરાતની વિમેન્સ ટીમની આગેવાની સ્ટેટ ચેમ્પિયન અને સુરતની ફેનાઝ છિપીયા લેશે. પાંચ સદસ્યની ટીમમાં યુવાન અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. જેમાં દિવ્યા ગોહીલ, નામના જયસ્વાલ, પ્રાર્થના પરમાર (તમામ ભાવનગર) અને કૌશ ભૈરપૂરે (અમદાવાદ)નો સમાવેશ થાય છે.

રસપ્રદ રીતે પાંચમાંથી ત્રણ ખેલાડી ભાવનગરની છે. તેમના તાજેતરના દેખાવ પર નજર કરીએ તો ગુજરાતની વિમેન્સ ટીમ તમામ હરીફને આંચકો આપીને મેડલ જીતી શકે તેમ છે. આ દરમિયાન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રેસિડેન્ટ નીશિથ મહેતાએ ટુર્નામેન્ટની સફળતા અંગે આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે લાંબા સમય બાદ ભાવનગરમાં આ પ્રકારની મેગા ટુર્નામેન્ટનું આયોજન થયું છે. તેનાથી જિલ્લામાં ટેબલ ટેનિસની રમતનો ફેલાવો થશે. ૮૦૦ જેટલા ખેલાડી અને અધિકારીઓ શહેરમાં આવશે અને અમે તે તમામને શ્રેષ્ઠ સવલત આપીશું. પ્રથમ ટીમ ચેમ્પિયનશિપ યોજાશે અને ત્યાર  બાદ સિંગલ્સ, ડબલ્સ અને મિકસ ડબલ્સ ઇવેન્ટ યોજાશે.

સિંગલ્સમાં કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા મનિકા બત્રા વિમેન્સ વિભાગમાં આકર્ષણ બની રહેશે. નેશનલ ચેમ્પિયન અર્ચના કામથ, આહિકા મુખરજી અને મધુરિકા પાટકર સામે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર રહેશે.(

(11:18 am IST)