Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મહા વાવાઝોડાની અસર વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો

રાજકોટ, અમરેલી, જામનગરમાં ભારે વરસાદ : કેટલાક પંથકોમાં ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ : કપાસ અને મગફળી પાકને થયેલું ખુબ નુકસાન

અમદાવાદ, તા.૬ : મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને કેટલાક પંથકોમાં તો વાદળછાયા અને અંધારપટ જેવા વાતાવરણ વચ્ચે ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ, ધોરાજી, જેતપુર, જામકંડોરણા, અમરેલી, કુકાવાવ, વડિયા સહિતના અનેક પંથકોમાં જોરદાર મેઘમહેર જોવા મળી હતી. અનેક પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આજે મોડી સાંજે મહા વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ હતી અને છથી વધુ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં રાજકોટ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્યત્ર પણ ભારે વરસાદ થયો હતો. જેના લીધે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

           હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠેથી મહા વાવાઝોડુ ટકરાવાનું સંકટ લગભગ ટળી ગયુ છે પરંતુ તેની અસરરૂપે તોફાની પવન અને ભારે વરસાદની આગાહી યથાવત્ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં આજે બપોર પછી વાતાવરણમાં નોંધપાત્ર પલ્ટો આવ્યો હતો અને કેટલાય પંથકોમાં એકદમ વાદળછાયુ અને અંધારપટ જેવું વાતાવરણ છવાયું હતું. બાદમાં તોફાની પવન અને ભારે ગાજવીજ તેમ જ વીજળીના કડાકા ને ભડાકા સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, ધોરાજી, જેતપુર, જામકંડોરણા, અમરેલી, કુકાવાવ, વડિયા, ગોંડલ, શાપર-વેરાવળ, જસદણ સહિતના અનેક પંથકોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ગણતરીના કલાકોમાં આ વિસ્તારોને પાણી પાણી કરી નાંખ્યા હતા.

         રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.  ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. ખેડૂતોના ઉભા કપાસ અને મગફળીના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. મગફળીનો પાક પાકી ગયો હોવાથી ખેડૂતો ઉપાડી રહ્યા છે ત્યારે બીજી તરફ વરસાદથી તેને નુકસાની પહોંચી રહી હોઇ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના અનેક પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

(8:38 pm IST)