Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ભાવનગર : મગફળીની જેમ ડુંગળીની ટેકાના ભાવે ખરીદી કરવા માંગણી

ભાવનગર તા.૭ : ડુંગળીનું સર્વાધિક ઉત્પાદન ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લામાં થાય છે. પ્રતિવર્ષ નવેમ્બરની એપ્રિલ માસ સુધીમાં લાખો ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે. પરંતુ દર વર્ષે ખેડુતોને ડુંગળીના વેચાણના પોષણક્ષમ ભાવો મળતા નથી. પરિણામે કિસાનોને મોટી આર્થિક નુકશાની વેઠવી પડે છે.

આ વર્ષે પણ અછત દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી સેંકડો ખેડુતો દ્વારા ડુંગળીનુ વાવેતર કરવામાં આવ્યુ છે અને એકાદ માસ બાદ ડુંગળી માર્કેટમાં વેચાણ અર્થે પહોચશે. આ વર્ષે મગફળી માફક સરકાર ડુંગળીની પણ ટેકાના ભાવે ખરીદી કરે અને તે માટે આગોતરૂ આયોજન કરી દેવામાં આવે તેવી માંગ ખેડુતો દ્વારા કરવામાં આવી રહી છે. ભાવનગરના ખેડુતો માટે ટેકાના ભાવે રહ્યુ છે. સરકાર દ્વારા મગફળીનુ વેચાણ કરવુ કપરૂ સાબિત થઇ રહ્યુ છે. સરકાર દ્વારા વેચાણ અર્થે જાહેર કરેલ વ્યવસ્થા અભણ ખેડુતો માટે સમજવી મુશ્કેલ સાબિત થઇ રહી છે.

ગત વર્ષ માફક આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો છે. સરકારનો આ નિર્ણય ખેડુતો દ્વારા આવકાર્યો છે. પરંતુ ખરીદી અર્થની જે પ્રક્રિયા છે તે ભારે વિસંગતતા ભરેલી અને અટપટી હોય જેને લઇને ધરતીપુત્રોમાં ભારે મુંજવાત જોવા મળી રહી છે.

ભાવનગર કિસાન જાગૃતિ સંગઠન દ્વારા ખેડુતો હિતલક્ષી એવા પ્રકારે માંગ કરાઇ રહી છે કે વેચાણ અર્થેનુ રજીસ્ટ્રેશન સરળ બનાવવામાં આવે તથા પ્રત્યેક ગ્રામ પંચાયતોમાં આ અંગે માહિતી માર્ગદર્શન કેન્દ્રો ખોલવામાં આવે તથા નિરક્ષર ખેડુતો પણ સરળતા પુર્વક સમજી શકે તે પ્રકારે વેચાણ પ્રથા લાગુ કરવાની માંગ રાજય સરકાર સમક્ષ કરી આ અંગે સત્વરે નિર્ણય લેવા અપીલ કરી છે.

(12:10 pm IST)