Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

બગસરા માર્કેટીંગ યાર્ડ ઉપર ભાજપનો કબ્જો અંકબંધઃ કોંગ્રેસને માત્ર ૨ સીટ મળી

બગસરા તા.૭: બગસરા માર્કેટિંગ યાર્ડમાં થયેલ જંગી મતદાન બાદ આજે યોજાયેલ મતગણતરીમાં કુલ ૧૩ પૈકી ભાજપ તથા બે સીટ કોંગ્રેસ ને મળી હતી. જેથી યાર્ડ પર ભાજપનો કબજો અકબંધ રહ્યો હતો.

બગસરા માર્કેટિંગ યાર્ડમાં આજે આવેલા મતગણતરીના પરિણામ બાદ ભાજપ ગેલમાં આવી ગયું હતું. સવારે નવ વાગ્યાથી શરૂ થયેલ મતગણતરીમાં લગભગ ૧૧ વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થતું જણાવ્યું હતું જેમાં સૌપ્રથમ ભાજપ પ્રેરિત વેપારી પેનલના તમામ ચાર સદસ્યો ચૂંટાઈ આવતા  પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. ખેડૂત વિભાગની ગણતરી શરૂ થયા બાદ લગભગ બે વાગ્યે ચૂંટણી અધિકારી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂત પેનલની આઠ સીટોમાંથી ૭ પર ભાજપ તથા એક સીટ પર કોંગ્રેસને વિજેતા જાહેર કરાયા હતા ચૂંટણી પૂર્વે એક સીટ કોંગ્રેસને બિન હરીફ મળેલ હોય કુલ ૧૩ પૈકી કોંગ્રેસને ફકત બે સીટ થી સંતોષ માનવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની આ વિસ્તારની બેઠકો કોંગ્રેસ પાસે હોય બગસરા માર્કેટિંગ યાર્ડ કબજે કરવા કોંગ્રેસ દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ લોક ચુકાદો વિપરીત આવતા કોંગ્રેસી છાવણીમાં નિરાશા વ્યાપી હતી. જયારે ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.ભાજપના વિજેતા સભ્યોમાં કાંતિભાઈ સતાસિયા, ગોરધનભાઈ કાનાણી, પરસોત્ત્।મભાઈ કુનડીયા, વલ્લભભાઈ ગોધાણી, બાવાલાલ મોવલીયા, દેવરાજભાઈ રાક, બાબુભાઈ સખવાળા , તેમજ વેપારી પેનલના વિકાસભાઈ મોદી, સંજયભાઈ રફાળીયા, જેન્તીભાઈ ખાંદલ, હાર્દિકભાઈ માધાણી નો સમાવેશ થાય છે.

જયારે કોંગ્રેસના વિજેતામાં વિરજીભાઇ ઠુંમર, રવજીભાઇ પાનસુરીયાનો સમાવેશ થાય છે.

(12:01 pm IST)