Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પોરબંદર પંથકમાં ખેત મજુરી માટે આવતા પરપ્રાંતિય મજુરો સામે સાવચેત રહેવા તાકીદ

પોરબંદર,તા.૭: પંથકમાં મગફળીનું મબલક ઉત્‍પાદન થયું છે અને તેને ઉપાડવા માટે મોટી માત્રામાં મધ્‍ય પ્રદેશ અને ગોધરા પંથક માંથી ખેત મજુરો આવવાના શરૂ થઇ ગયા છે. ત્‍યારે કોંગ્રેસ   દ્વારા વાડી માલીકો સહિત પોલીસ તંત્રને પણ અપીલ કરીને સાવચેતી અને સલામતી માટે  યોગ્‍ય પગલા ભરવામાં આવે તેવી અપીલ કરી છે. આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્‍યુ છે કે પોરબંદર  પંથકમાં હજારો હેકટર મગફળી સહીત ચોમાસું  પાક તૈથાર  છે અને મુખ્‍યત્‍વે  મગફળીનુ ઉત્‍પાદન થયું છે. ત્‍યારે  પોરબંદરના બરડા પંથક સહિત રાણાવાવ, કુતીયાણા વગેરે પંથકના ઘરતી પુત્રો  મગફળીની ખેત મજુરી માટે મધ્‍યપ્રદેશથી આવતા ખેતમજુરો અને ગોધરાના મજુરો ઉપર આશરો રાખે છે. હાલમાં પોરબંદરના બસ સ્‍ટેશન ખાતે સવારે મોટી સંખ્‍યામાં વાડી  માલીકો પોતાના ખેતરે ખેત મજુરીએ રાખવા માટે મજુરોને  લેવા માટે આવે છે.  પોરબંદર પંથકના માયાળુ ધરતીપુત્રો માત્ર  ખેતમજુરોને જ નહી પરંતુ તેના પરિવારજનોને પણ સારી રીતે સાચવે છે. પરંતુ કયારેક કયારેક એવું બને  છે કે ખેતમજુરીએ આવેલા મજુરો પૈકી અમુક મજુરો નાના મોટા ગુન્‍હા સાથે સંકળાયેલા હોય છે અને અહીયા આવીને પણ તેઓ નાના મોટા ગુન્‍હા કરે છે. ઘણી વખત ભુતકાળમાં ખુન, લુંટ ચોરી જેવા ગંભીર ગુન્‍હોઓને પણ આ મજુરો દ્વારા અંજામ આપવામાં આવ્‍યો છે.

 કોંગ્રેસ આગેવાન રામદેભાઇ મોઢવાડીયાએ પોલીસતંત્રને  અપીલ કરતા જણાવ્‍યુ છે કે ખેતમજુરી માટે આવતા મજુરોની પુરેપુરી માહિતી પોલીસતંત્ર દ્વારા એકત્ર થવી જોઇએ અને તેની નોંધ પોલીસ મથકે રાખવી જોઇએ  કે જેથી કોઇ ગુન્‍હાઓ  આચરવામાં આવે તો તેમના પર વોચ ગોઠવીને સરળતાથી પકડી  શકાય અથવા ગુન્‍હાઓ બનતા અટકાવી શકાય.

ખેડુતોને તાકીદ કરતા તેમણે જણાવ્‍યુ છે કે, તેમને ત્‍યાં વાડીએ મજુરી માટે આવતા તમામ ખેતમજુરોના નામ સરનામા, આધારકાર્ડ, ફોટા  સહિતની વિગતો લઇ લેવી જોઇએ અને નજીકના પોલીસ સ્‍ટેશન ખાતે તેની નોંધ પણ કરાવવી જોઇએ કે જેથી  તેમને માહીતી ઉપલબ્‍ધ હોય તો સ્‍વાભાવિક ગુન્‍હાઓ ડીટેકટ થઇ શકે.તેમણે વધુમાં જણાવ્‍યુ હતું કે એમ.પી.થી આવતા ઘણા ખરા ખેતમજુરો ત્‍યાંની પોલીસના ચોપડે કુખ્‍યાત ગુન્‍હેગાર તરીકે નોંધાઇ ચુકયા હોય છે અને આ રીઢા ગુન્‍હેગારો થોડા ઘણા પૈસા અને દાગીનાની લાલચમાં ખુન જેવા ગુન્‍હાઓ કરતા પણ અચકાતા નથી. તેથી આ મુદ્દે ધરતીપુત્રોએ સાવચેત અને સલામત રહેવું જોઇએ.

(4:35 pm IST)