Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ધ્રોલ એમ.ડી. મહેતા શૈક્ષણીક સંકુલમાં માતા અંબાજીની આરાધના

ધ્રોલ તા. ૭ :.. ધ્રોલ ખાતે એમ. ડી. મહેતા શૈક્ષણીક સંકુલ ખાતે બાળાઓ દ્વારા છેલ્લા આઠ દિવસથી માતા અંબાજીની આરાધાનનું પર્વ ઉજવાઇ રહ્યુ છે. બાળાઓ દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ-ગરબાઓની રમઝટ ટ્રેડીશનલ ડ્રેસો પહેરીને બોલાવવામાં આવે છે.

એમ. ડી. મહેતાના આ શૈક્ષણીક સંકુલના મેદાનમાં ભકિતસભર માહોલમાં શહેરના ભાઇઓ તથા બહેનો હાજરી આપી ને માતાજીની રાસ-ગરબા, દ્વારા કરવામાં આવતી ભકિતની મોજ માણે છે.

આ સંકુલમાં ચાલતી નવરાત્રીના ગરબા મહોત્સવ, કોમી એકતાનું પણ ઉમદા ઉદાહરણ પુરૂ પાડી રહેલ છે. આ સ્થળે વર્ષોથી વાદક તરીકે હનીફભાઇ મકવાણા તથા યુસુફભાઇ જસરાયા તથા ગાયક તરીકે સકિલાબેન જસરાયા, સેવાઓ આપી રહેલ છે. તેમજ રાસ-ગરબાના કાર્યક્રમમાં પણ મુસ્લીમ બાળાઓ જોડાઇને શકિતની ભકિતમાં જોડાય છે.

આ નવરાત્રી મહોત્સવ પ્રસંગે ટ્રસ્ટના સંચાલકો તરફથી એક અનુકરણીય ગણી શકાય તેવી પ્રવૃતીમાં દરરોજ સૈનિક ફંડ માટેનું કાઉન્ટર, રાખવામાં આવે છે તેમાં આવતા ભકતો દ્વારા યથા શકિત દાન-ફાળો સૈનિક ફંડમાં આપવામાં આવે છે અને એકત્રીત થયેલ અંદાજે ૪૦ થી પ૦ હજાર જેટલી રકમ જામનગર ખાતે સૈનિક કલ્યાણ ફંડમાં જમા કરવામાં આવે છે અને આ રીતે ધાર્મિક પર્વની સાથે રાષ્ટ્રીય કામગીરી કરવામાં આવે છે.

આ નવરાત્રી મહોત્સવના સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધ્રુતીબેન મહેતા, દ્વારા કરવામાં આવે છે. કોરીયોગ્રાફર તરીકે નીધીબેન અગ્રાવત દ્વારા ટ્રેનીંગ આપવામાં આવે છે. ટ્રસ્ટના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા તથા શિક્ષણ સેવાહક હંસાબેન મહેતા, દ્વારા માર્ગદર્શન અને સાથ સહકાર આપવામાં આવે છે.

(1:20 pm IST)