Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પીટલો સ્થાપનાર સંસ્થાઓ તબીબોની વીજ બીલ, લોન વ્યાજમાં રાહત અપાશેઃ વિજયભાઇ રૂપાણી

જુનાગઢના વડાલમાં વતનપ્રેમી કોરાટ દંપતિ દ્વારા નિર્મિત હિમાલયા કેન્સર હોસ્પિટલનુ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્દ્યાટન

જુનાગઢ તા.૭:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજય સરકારના સંવેદના સ્પર્શી જનઆરોગ્યના નિર્ણયોની ફળશ્રુતિ જણાવતા કહ્યુ કે, ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજયના ૭૦ લાખ પરિવારોને પ્રાથમિક તબક્કાએ આરોગ્ય કવચથી રક્ષિત કરવાની દિશામા સરકાર આગળ વધી રહી છે.

જુનાગઢના વડાલમા વતન પ્રેમી કોરાટ તબીબ દંપતિ દ્વારા સેવાભાવથી નિર્મિત હિમાલયા કેન્સર હોસ્પીટલનુ ઉધ્દ્યાટન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહયુ કે, છેવાડાની મોટી હોસ્પીટલોને આરોગ્ય યોજનાઓમા રજીસ્ટરર્ડ કરીને ગરીબોથી માંડીને વંચિતો એમ તમામ નાગરિકોનુ તંદુરસ્ત આરોગ્ય જળવાય તેવી સરકારની નેમ છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમા વધુમાં કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે કે દેશના દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બને. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારમા પણ અદ્યતન અને સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ બને તે માટે ગ્રીન ફીલ્ડ અને બ્રાઉન ફીલ્ડ બને તે માટે મેડીકલ પોલીસીની હિમાયત કરતા કહ્યુ કે, આ યોજનામાં હોસ્પીટલોને પ્રોત્સાહિત કરવા વીજ બીલથી માંડીને વ્યાજ માફીના લાભ અપાશે. વડાલ જેવી આવી હોસ્પીટલમાં સંકલન કરીને ગરીબ દર્દી જો પૈસા વગર હોસ્પીટલમા દાખલ થાય તો તેમને એકપણ પૈસાનો ખર્ચ ન થાય તે દિશામા અમારી સરકાર કામ કરી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ વડાલમાં દક્ષિણ સૌરાષ્ટ્રની પ્રથમ કેન્સર હોસ્પીટલ શરૂ કરીને દર્દીઓ અને સગાઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા આપવાની પ્રતિબદ્ઘતા બદલ ડો.રાજેશ કોરાટને અભિનંદન આપ્યા હતા. આ હોસ્પીટલમા દેશમા બહુ જુજ પ્રમાણમા છે તેવા તબીબી સાધનો વસાવવા બદલ પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે મહંત શેરનાથબાપુ, જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ, મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઇ કરમટા,શશીકાંતભાઇ ભીમાણી,ધારાસભ્ય દેવાભાઇ માલમ, કલેકટર ડો.સૌરભ પારઘી, એસ.પી. સૌરભસિંઘ,દાતા રંજનબેન કોરાટ તેમજ જિલ્લાના અગ્રણીઓ, કાર્યકરો, મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વડાલના ગ્રામજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:18 pm IST)