Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

જામનગરમાં ૩૦૦ વર્ષ જુની જલાની જાર વિસ્તારમાં શિવજી ભગવાનના પાર્વતીજી સાથેના લગ્નવિધીનું વર્ણનઃ સાડા ત્રણ કલાક સુધી શ્લોકનું ગાન

જામનગરઃ જામનગરમાં ત્રણસો વર્ષ જૂની જલાની જાર વિસ્તારમાં આવેલ ગરબીમાં ઇશ્વરના ગરબામાં સતત સાડા ત્રણ કલાક સુધી શ્લોક ગાવામાં આવે છે અને પુરુષો ગરબે ઘૂમે છે. જેમાં ભગવાન શિવજીના પાર્વતીજી સાથેના માંગાથી લઈ લગ્ન સુધીની વિધિનું વર્ણન કરવામા આવે છે.  જામનગર શહેરમાં હાલ જૂજ સંખ્યામા પ્રાચીન ગરબીઓ ચાલુ રહી છે. જેમાંની એક છે જલાની જાર પાસે થતી ગરબી જે ખૂબ અનોખી છે.  સામાન્ય રીતે નવરાત્રિ દરમિયાન નવ દિવસ ગરબીનું આયોજન થતું હોય છે.પરંતુ, અહીં અગિયાર દિવસ ગરબી રમાય છે.આ ગરબીમાં આકર્ષણ અહીં યોજાતા ઈશ્વર વિવાહનું છે. અહીં ઈશ્વર વિવાહનું આયોજન ત્રણસો કરતાં વધુ વર્ષથી થતું હોવાનું માનવામા આવે છે. ઈશ્વર વિવાહમાં પુરુષો અબોટિયા ધારણ કરે છે અને કોઈપણ જાતના માઈક કે આધુનિક વાંજિત્રો વગર ગરબે ઘૂમે છે .પુરુષોના મોઢેથી ગવાતા છંદનો અવાજ એટલો હોય છે કે, કોઈ સાઉન્ડની જરુર જ રહેતી નથી. ઈશ્વર વિવાહમાં ફકત પુરુષોજ ગરબે ઘૂમે છે અને છંદ ગાઈ ભગવાન શિવજીની લગ્નવિધિનું નિરૂપણ કરે છે.

 અહીં પ્રથમ નોરતે માતાજીની છંદના ગાન સાથે સ્થાપના કરવામા આવે છે ત્યારબાદ સાતમે નોરતે ઈશ્વર વિવાહનું આયોજન થાય છે અને દશેરાની રાત્રિના ચાર વાગ્યે કનકાઈ માતાજીનો છંદ ગાઈ નોરતા પૂર્ણ કરવામા આવે છે. જલાની જાર પાસે આયોજીત થતાં ઈશ્વર વિવાહનું મહત્વ અને આકર્ષણ એટલું છે કે, અહીં કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક સમાજના પુરુષો ગરબે ઘૂમે છે. જામનગરથી દૂર રહેલા લોકો પણ ઈશ્વર વિવાહના દિવસે અહીં આવી પહોંચે છે અને પ્રાચીન પરંપરાને આગળ ધપાવવામા પોતાનું યોગદાન આપે છે. અહેવાલઃ મુંકુંદ બદિયાણી  (તસવીરઃ ેૅંકિંજલ કારસરીયા,જામનગર)

(1:16 pm IST)