News of Monday, 7th October 2019
જુનાગઢ તા. ૭ :.. પોરબંદરના સાંદીપની વિદ્યા નિકેતન ખાતે નવરાત્રી અનુષ્ઠાન સાથે ગાંધી ચિંતનમાં ગુજરાતી સાહિત્યના હસ્તે લેખક, વિચારક અને કટારલેખક પદ્મશ્રી ગુણવંત શાહે ગાંધીજીનો સત્ય પાવર એ વિશે ચર્ચા કરતા કહ્યું હતું કે ઉપનિષદના ઋષિને કોઇએ પૂછયુ કે ઉપનિષદ એટલે શું ? ઋષિએ કહ્યું કે સત્યનું સત્ય એ ઉપનિષદ છે. એ પરમ સત્યને મહાત્મા ગાંધી આજીવન વળગીને રહ્યા તેમણે મરતાં પણ સત્યને ન છોડયું આ સત્ય એ ભારતીય સંસ્કૃતિનું મુળ તત્વ છે કેમ કે ભારતીય સંસ્કૃતિ સત્યની સંસ્કૃતિ છે.
આજની નવી પેઢી ગીતા, ઉપનિષદ કે શ્રી કૃષ્ણ વિશે વાંચવામાં ઉદાસીન છે એટલા માટે મેં કૃષ્ણનું જીવન સંગીત, સંભવામિ યુગે અને ઉપનિષદ તથા રામાયણ, મહાભારત પર ગ્રંથો લખી નવી પેઢીને ભારતીય ગ્રંથો વાંચવાની પ્રેરણા મળે તેવા ઉદેશ્યથી ગ્રંથો રચ્યા છે.
ગુણવંત શાહે પશ્ચિમના સુપ્રસિધ્ધ લેખક હરનમ હેલની સિધ્ધાર્થ નવલકથા પરથી ઉતરેલા સિધ્ધાર્થ ફિલ્મની કથાના નામક અને નાયિકા શશીકપુર અને સમી ગરેવાલના કથાનકને વર્ણવીને સિધ્ધાર્થ એટલે વૃધ્ધ અને નગરનંદીની એટલે ગણીતના સંવાદોનો ઉલ્લેખ કરીને કહયું કે સિધ્ધાર્થને ગણીકા પુછે છે કે મારા માટે શું લાવ્યા ત્યારે સિધ્ધાર્થ તેની ૩ સંપતિની વાત કરતા કહે છે કે મારી પહેલી સંપતિ છે હું પ્રતિક્ષા કરું છું, બીજી સંપતિ છે હુ ઉપવાસ કરી શકુ છું. અને ત્રીજી સંપતિ છે હું વિચારી શકું છું.
ગાંધીજીના ઉપલક્ષમાં વિચારીએ તો ગાંધીજી આ ત્રણ સંપતિ ધરાવતા હતાં.
ગુણવંત શાહે કહયું હતું કે આપણને સૌને ખબર છે કે સત્યમાં એક મોટી શકિત છે જે રીતે ગુરુત્વાકર્ષણની શકિત છે તેમ સત્યની પણ શકિત છે. આ સત્યનો પાવર એટલો વ્યાપક છે તે ગાંધીજીએ સિધ્ધ કરી બતાવ્યું હતું.
સાંદીપની વિદ્યા નિકેતનમાં પૂજય ભાઇશ્રીની નિશ્રામાં ચાલી રહેલા ૩૮મા નવરાત્રી અનુષ્ઠાનના ૮મા નોરતે સાંદીપની વિદ્યા-નિકેતનમાં રામ ચરિત માનસ ગાનનો ક્રમ આગળ વધ્યો હતો તો બપોરના સત્રમાં ભાગવત ધર્મ અને બાપુ એ વિષય પર પૂજય ભાઇશ્રીના વ્યાસાસને યોજાયેલી કથાના પ્રારંભમાં ગુજરાતી સાહિત્યના ચિંતક અને ઉત્તમ ગદ્યકાર પદ્મશ્રી ગુણવંત શાહનું ગાંધીજીનો સત્યનો પાવર એ વિષય પર પ્રવચન થયુ હતું.
પૂજય ભાઇશ્રીએ તેમની ૮મા દિવસની કથાના પ્રારંભમાં ગુણવંત શાહના પ્રદાનને ગુણવંતી શૈલીના સ્વામી તરીકે ઓળખાવી ગાંધીબાપુનું જીવનનું કેન્દ્ર સત્ય રહ્યું છે તો ભાગવતના પ્રારંભમાં ભગવાન વેદ વ્યાસે પણ સત્યમ પરમ ધિયહી થી પ્રારંભ કરી તેનું સમાપન સત્યમેવ જયતેથી કરીને સનાતન સત્યની પ્રતિષ્ઠા કરી છે.
પૂજય ભાઇશ્રીએ કથાઓના પ્રારંભમાં કથાકારો પૂર્વે મંગલા-ચરણ કરતાં હોય છે તેનો વિશિષ્ટ અર્થ કરતાં કહયું કે જેનું આચરણ મંગલ હોય તેવી વ્યકિત કે વિભૂતિઓ જ મંગલાચરણના અધિકારી ગણાય એમ કહી ભાગવત કથાને સમધિનો નશો ઇશ્વરના નામનો નશો અને કથામાં આવતાં પ્રસંગોનો નશોના આધ્યાત્મિક રહસ્યને સમજાવીને શુકદેવજીએ ભગવાન શંકરજીને જે દૈવી નશાનો અનુભવ થયો હતો તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું.
પોરબંદરની લાયન્સ હોસ્પિટલમાં ૬ઠ્ઠી ઓકટોબરે ચાર મેડીકલ કેમ્પોમાં સેવા આપનાર ડોકટરોનું પૂજય ભાઇશ્રીના વ્યવસાસને સન્માન થયુ હતું. જેમાં કાન, નાક, ગળાના દર્દોના ડોકટર ડો. નંદલાલ કે. માનસેતા, ગાયનેકોલોજીના નિષ્ણાંત તબીબ ડો. ઇલાબેન માનસેતા, પલ્મોનોલોજી (ફેફસાના દર્દી)ના નિષ્ણાંત ડોકટર જયેશભાઇ ડોબરીયા તથા મેકિઝલો ફેસીયર (મોઢાની જન્મ જાત ખોડ) ના નિષ્ણાંત ડો. શ્યામ બી. શેઠ તથા પોરબંદરના ડો. હિમાંશુ ગઢવીનું સન્માન થયુ હતું. આ સન્માન સમારોહ પ્રસંગે કેમ્પ કો-ઓર્ડીનેટર ડો. ભરત ગઢવીએ મેડીકલ કેમ્પ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.