Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

કચ્છ -કંડલા વિશ્વનું ફર્નિચર હબ બનશે : રોકાણકારો માટે સુવર્ણ અવસર: પીએમ મોદીના હસ્તે ફર્નિચર પાર્કનું શિલાન્યાસ કરાશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મહાજનો-ઉદ્યોગ સાહિસકોને ફર્નિચર પાર્કમાં રોકાણ માટે આહ્વાન કર્યું

ભુજ :  ગાંધીધામમાં શિપીંગ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો ધરાવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ  દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ તથા ટીમ્બર એસો, આયોજિત SICP (સ્માર્ટ ઇન્ડીસ્ટ્રીયલ પોર્ટ સિટી) ફર્નિચર પાર્ક સેમિનારને સંબોધતા આગામી ૧૦ વર્ષમાં કચ્છ-કંડલા દુનિયાનું અગ્રણી ફર્નિચર બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીને સમગ્ર કચ્છમાં રોજગારીની વિપુલ તકોના નિર્માણ તેમજ કચ્છ-ગુજરાત અને સમગ્ર ભારતના ઉદ્યોગ સાહસિકો માટે રોકાણ કરવાની સુવર્ણ તક ઉભી થઇ હોવાનું પણ જણાવ્યું હતું.
   ગાંધીધામમાં આયોજિત ફર્નિચર પાર્ક સેમિનારના ઉદ્દઘાટન પ્રસંગે દેશભરમાંથી પધારેલા ઉદ્યોગ સાહસિકોને સંબોધતા કેન્દ્રીય શિપીંગ મંત્રીએ ફર્નિચર પાર્કની ૭૦ ટકા રોકાણ બાદ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શિલાન્યાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કરી વધુમાં જણાવ્યું હતું કે દેશના અગ્ર હરોળમાં સ્થાન પામેલા દીનદયાળ પોર્ટની ક્ષમતાને ધ્યાને રાખી પૂરેપૂરો ઉપયોગ કેમ કરી શકાય તેવી દીર્ઘદ્રષ્ટિ સાથે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે. ઉપરાંત શિપીંગ મંત્રીશ્રી માંડવીયાએ દેશના તમામ મેજર પોર્ટની કાર્યક્ષમતાને ધ્યાને લઇ માસ્ટર પ્લાન તૈયાર કરાયા છે તેમ ઉમેર્યું હતું.
   છેલ્લા ૧૨ વર્ષથી સતત દેશનું અગ્ર હરોળનું દીનદયાળ પોર્ટ મારફતે કચ્છની કૃષિ-બાગાયત પ્રોડક્ટ, સિરામીક પ્રોડક્ટ કચ્છ માર્ગેથી સમગ્ર દુનિયામાં નિકાસ થાય તેવી ઉજળી તકો રહેલી હોવાનું મંત્રીશ્રી માંડવીયાએ આ તકે જણાવ્યું હતું.
કચ્છીઓ સમગ્ર દુનિયાભરમાં ટિમ્બર બિઝનેશમાં માહેર હોઇ, કંડલા માંથી ડીટીપી મારફતે જ્યારે ૭૦ ટકા ટિમ્બર દેશ-દુનિયામાં નિકાસ થતું હોઇ ફર્નિચર ક્ષેત્રે પણ આગળ આવવા અપીલ કરી હતી. ભારતના વિકાસનો રોડમેપ વડાપ્રધાન મોદી દ્વારા તૈયાર કરાયો છે ત્યારે મહાજનો-ઉદ્યોગ સાહિસકોને ફર્નિચર પાર્કમાં રોકાણ માટે આહ્વાન કર્યું હતું.
    અત્રે ઉલ્લેખનીય છે કે ફર્નિચર પાર્ક પ્રોજેક્ટ કોસ્ટ ૬૭૬.૧૭ કરોડ રૂપિયા નિર્ધારિત કરાઇ છે જેમાં ૧૮૦ કરોડ રૂપિયા ડીટીપીના રોકાણનો સમાવેશ થાય છે. આ સમગ્ર ફર્નિચર પાર્ક ૮૫૦ એકરમાં આકાર લેશે જેમાં ૧૦ ટકા ગ્રીન બેલ્ટ તેમજ ૬૯ ટકા વેચાણ યોગ્ય એરિયાનો સમાવેશ કરાયો છે. આ સાથે દીનદયાળ પોર્ટ દ્વારા કુલ રૂપિયા ૧૫૦૦ કરોડ માળખાકીય સુવિધા માટે ફાળવાયા છે. અંતે મંત્રીશ્રી માંડવીયાએ ફર્નિચર પાર્ક અંગેના સેમિનાર યોજવા બદલ ટિમ્બર એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા.
    આ તકે શૈક્ષણિક સામાજિક પછાત વર્ગોના કલ્યાણ તથા પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે  કચ્છમાં ટિમ્બર ઉદ્યોગ માટે આવશ્યક ૬૫ લાયસન્સ દ્વારા શરૂ કરાયેલ ટિમ્બર ઉદ્યોગનું ફર્નિચર પાર્કના માધ્યમથી મોટુ સપનું સાકાર થવા જઇ રહ્યુંછે ત્યારે કચ્છનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હોવાનું જણાવી વડાપ્રધાનના કચ્છ પ્રેમને લઇને હજી મોટી ભેંટોમળતી રહેશે તેમ જણાવી નજીકના ભવિષ્યમાં ગાંધીધામ ખાતે સિટી સર્વે કચેરી ખોલાશે તેવો સંકેત આપ્યો હતો.
   ફર્નિચર પાર્ક સેમિનારમાં ગોવાના પરિવહન મંત્રી મોવીન ગોડીન્હોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિભરી આગેવાની હેઠળ દેશની ઉભરતી ઇકોનોમી, આર્થિક ક્ષેત્રે પ્રગતિશીલ ગુજરાત અને કચ્છ-કંડલા ફર્નિચર પાર્કના નિર્માણના પગલે વિકાસનું રોલ મોડલ બનવા જઇ રહ્યું હોવાનું જણાવી ફર્નિચર પાર્ક કચ્છ-કંડલા માટે ગેમ ચેન્જર સાબિત થશે તેવો મત રજૂ કર્યો હતો.
સેમિનારના પ્રારંભે ડીટીપીના ચેરમેન શ્રી એસ.કે. મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ફર્નિચર પાર્કમાં વર્લ્ડ ક્લાસ ફેસિલીટીઓના થનારા નિર્માણની વિગતો રજૂ કરી પ્રેઝેન્ટેશનના માધ્યમથી વિભિન્ન રાજ્યોમાંથી આવેલા ઉદ્યોગ સાહસિકોને રોકાણ કરવાની તક ઝડપી લેવા અનુરોધ કર્યો હતો.
   પ્રારંભે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ  કોમર્સના પ્રમુખ દિનેશભાઇ ગુપ્તાએ ફર્નિચર પાર્ક સેમિનારને  આવકારી ચેમ્બર્સને સૌભાગ્યનો અવસર મળ્યો હોવાનું જણાવ્યું હતું. કંડલા કોમ્પ્લેક્ષના વેપારી મંડળ વતી હેમચંદ્ર યાદવે ગાંધીધામથી દિલ્હીની વધુ ટ્રેન, ફર્નિચર પાર્ક માટે પ્રશિક્ષણ કેન્દ્ર તેમજ ટેક્સ હોલેડી મળવા સહિતના સુચનો કર્યા હતા. આ પ્રસંગે શિપીંગ મંત્રીશ્રી માંડવીયાના હસ્તે દીનદયાળ પોર્ટની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ગતિવિધીઓની અભિવ્યકત કરતી ઇ-પત્રીકા તરંગનું ડિઝીટલી લોન્ચીંગ કરાયું હતું. ઉપરાંત ડીટીપીના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અથર્વા ફાઉન્ડેશન દ્વારા શહિદ જવાનોની ૧૦૦ દીકરીઓને લેપટોપ આપવાના ભાગરૂપે પાંચ દીકરીઓને પ્રતિકાત્મક રૂપે લેપટોપ અર્પણ કરાયા હતા.
   શિપીંગ મંત્રી મનસુખભાઇ માંડવીયાના શુભ હસ્તે કુલ રૂ. ૧૪૦.૫૬ કરોડના ખર્ચે ૧૪.૫ મેગા વોટ ક્ષમતાની પવન ઉર્જાની પરિયોજના ખુલ્લી મુકાઇ હતી. તેમજ રૂપિયા ૪૫.૫૧ કરોડના ખર્ચે કાર્ગો જેટીની ૧૩.૧૦ કિલોમીટરની આંતરીક રેલ યોજનાનો ડિઝીટલી પ્રારંભ કરાયો હતો.
    આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઇ ભર્યા સહિત કચ્છ કલેક્ટર એમ. નાગરાજન, અંજાર પ્રાંત અધિકારી ડૉ. વી.કે. જોષી, ટિમ્બર એસો. પ્રમુખ નવનીત ગજ્જર, એમ.ડી. અનુપ અગ્રવાલ, ડીટીપીના સિનિયર ડે. સેક્રેટરી વાય.કે. સિંઘ, શિપીંગ મંત્રાલયના ડાયરેક્ટર અરવિંદ ચૌધરી, ડે. કન્ઝર્વેટર કેપ્ટન ટી. શ્રીનિવાસન સહિત મોટી સંખ્યામાં દેશભરમાંથી ઉદ્યોગ સાહસિકો તેમજ ટિમ્બર ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો, વેપારી અગ્રણીઓ, ગાંધીધામ ચેમ્બર હોદ્દેદારો, પોર્ટ યુઝર્સ તેમજ સ્થાનિક અગ્રણીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. દીનદયાળ પોર્ટના બિઝનેશ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ઓમપ્રકાશ દાદલાણી સહિત પોર્ટના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી.

(9:15 pm IST)