Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મોટા આસોટામાં ધોધમાર વરસાદ બાદ તંત્ર દ્વારા નુકશાનનો સર્વે

ડુંગરાળ વિસ્તારમાંથી વાયુવેગે આવેલા કાળાડીબાંગ વાદળોએ વરસાદ વરસાવ્યો

ખંભાળીયા, તા. ૭ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના આસોટા ગામે પડેલા ભારે વરસાદને કારણે ગામમાં પૂર આવતા ખૂબ જ નુકશાન થતા ગઈકાલે સરકારી તંત્ર તુરત જ દોડી ગયુ હતું તથા વ્યવસ્થા હાથ ધરી હતી.

જિલ્લા કલેકટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ ડીઝાસ્ટર ટીમના મોહીત સિસોદીયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નાયબ કલેકટરશ્રી પાર્થ કોટડીયા, ખંભાળીયા મામલતદાર શ્રી કથીરીયા, કલ્યાણપુર મામલતદારશ્રી વિવેક બરહાર તથા નાયબ મામલતદારો તથા તલાટી મંત્રી, ગ્રામ સેવક તથા કર્મચારીઓની ટીમ પહોંચી ગઈ હતી.

ડી.ડી.ઓ. શ્રી ડી.જે. જાડેજા, નાયબ કલેકટરશ્રી પાર્થ કોટડીયા તથા મામલતદારોની બરબાર તથા શ્રી કથીરીયાની ટીમ બપોરે જ મોટા આસોટા પહોંચી ગઈ હતી તથા સમગ્ર ગામની મુલાકાત લઈને તથા ગ્રામજનોને રૂબરૂ મળીને તેમની સ્થિતિ જાણીને તુરંત પગલા લીધા હતા.

ગામમાં પૂરના પાણી ઘુસી ગયા હોય તથા ગામના કૂવા-બોરમાં પણ પાણી હોય ગ્રામજનોને શુધ્ધ પાણી મળે કે જેથી પાણીજન્ય રોગ ના થાય તે માટે પાણીના ટેન્કરો મંગાવીને પાણી સપ્લાય શરૂ કરાવી હતી.

જ્યાં જ્યાં પાણી ભરાયેલા હોય ત્યાં ઉલેચવાની કામગીરી પણ શરૂ કરાવી હતી તથા પૂરની ગંદકી અને પૂર સાથે કચરો તણાઈ આવેલો જે દૂર કરવા સામુહિક પ્રયાસો કરાયા હતા. જ્યાં પાણીના ખાબોચીયા ભરેલા હતા ત્યાં દવા છંટકાવ શરૂ કરાયો હતો જેથી મચ્છરોનો રોગચાળો ના થાય.

એગ્રીકલ્ચર તથા પશુપાલન તથા રેવન્યુની ટીમો દ્વારા ખેતરોમાં ખેડૂતોને થયેલા નુકશાન અંગે તથા તણાયેલા ઢોર તથા વાહનો અંગે તથા ખેડૂતના પાકની સ્થિતિ અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી આગળની સ્થિતિ સ્પષ્ટ થાય.

કલ્યાણપુર તાલુકાના આસોટામાં દોઢ કલાકમાં પડેલો ૧૦ ઈંચ વરસાદ હવામાન શાસ્ત્રીઓ માટે કોયડારૂપ છે કેમ કે આસોટામાં ૧૦ ઈંચ વરસાદ પડયો અને તેની નજીકના બેરાજામાં બે ઈંચ જે ૩ કિ.મી. દૂર છે તો તેનાથી ૩ - ૪ કિ.મી. દૂરના વીપપુર, હાલરડી, નાના આસોટામાં તો એકાદ ઈંચ જ પડયો હતો.

ગામમાં આવેલી બાબાની ધારના ડુંગરાળ વિસ્તારમાંથી વાયુવેગે આવેલા કાળાડીબાંગ વાદળોએ વરસાદ વરસાવ્યો હતો.

દેવભૂમિ જિલ્લાના મોટા આસોટા ગામે ગઈકાલે પડેલા આ વરસાદ અંગે જિલ્લા કલેકટરશ્રી દ્વારા રાજ્યના રાહત નિયામકને આ અંગે રીપોર્ટીંગ કરાયુ છે. જેમા આ વરસાદના પગલે આ તાલુકાના બેરાજા, દાત્રાણા, નાના આસોટા, ધંધુસર, બેહ, વીરપુર તથા નજીકના ગામોના સરપંચ તથા તલાટી મંત્રીઓને આ અંગે જાણકારી આપી હતી તથા અધિકારીઓએ રૂબરૂ સંપર્ક કર્યો હતો.

આ ઉપરાંત ૨૦૦ વ્યકિતઓ માટે ભોજન વ્યવસ્થા તથા બીપીએલ લાભાર્થીઓને પલળેલા અનાજની બદલે અન્ય અનાજ વાજબીભાવે આપવા, ૪૫/૫૦ પજીઓ ગૂમ થયા તેને શોધવા, પાણી ઉતરી ગયુ હોય સ્થળાંતરનો પ્રશ્ન ના હોય બે સગર્ભા બહેનોને રાણ હોસ્પીટલ પહોંચાડાઈ હતી.

ખંભાળિયાના કિશાન અગ્રણી પાલભાઈ આંબલિયા તથા મોટા આસોટા શાળાના આચાર્ય જગમાલભાઈ ભેટારિયા, કરશનભાઈ આહિર, હેતલભાઈ બોડા, સરપંચ નેભાભાઈ ચાવડા વિ. એ તંત્રને બનાવની જાણ કરીને ઝડપી વ્યવસ્થામાં સહાયરૂપ થયા હતા.

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે ગઈકાલે દોઢ કલાકમાં ૧૦ ઈંચ વરસાદ પછી એક જ દિવસમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ પડતા ગામની શાળાઓ તથા શિક્ષણની સ્થિતિની જાણકારી મેળવવા માટે દેવભૂમિ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એચ.આર. ચાવડા ટીમ સાથે મોટા આસોટા દોડી ગયા હતા.

જિ.શિ. શ્રી ચાવડાની સાથે કલ્યાણપુરના લાયઝન સંકુલ સંયોજક જગમાલભાઈ ભેટારિયા તથા એજ્યુ. ઈન્સ્પેકટર તથા દેવભૂમિ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ગોપાલભાઈ નકુમ પણ જોડાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ સિવાયના તમામ તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. સતત ત્રણ દિવસથી આવો વરસાદ પડતા ખેડૂતોના પાકની સ્થિતિ ખૂબ જ સારી થઈ છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ભાણવડમાં કંઈ વરસાદ પડયો નથી જ્યારે દ્વારકામાં ૩૪ મીલી, ખંભાળિયા ૨૦ મીલી તથા કલ્યાણપુર તાલુકામાં ૩૭ મીલી જેટલો વરસાદ પડયો છે.

(3:30 pm IST)