Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૯૬.૯૪ ટકા વરસાદઃ ૪ તાલુકામાં ૧૦૦ ટકાથી પણ વધુઃ સવારથી વરાપ

માંગરોળ તાલુકામાં હજુ ૭૦.૯૬ ટકા વરસાદ

જૂનાગઢ, તા. ૭ :. સોરઠમાં અત્યાર સુધીમાં ૯૬.૯૪ ટકા વરસાદ નોંધાઈ ચૂકયો છે. જેમાં ૪ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ મેઘમહેર થઈ છે.

છેલ્લા એક અઠવાડીયાથી જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મુકામ કર્યો છે. તેમા ખાસ કરીને રવિવારથી તો અવિરત વરસાદ વરસી રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સોરઠમાં કુલ ૨૧૩ મી.મી. એટલે ૮ાા ઈંચ વરસાદ નોંધાયો હતો. જે સાથે જૂનાગઢ જિલ્લાનો સરેરાશ વરસાદ વધીને ૯૬.૯૪ ટકાએ પહોંચી ગયો છે.

જેમાં ૪ તાલુકામાં ૧૦૦ ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ભેંસાણ તાલુકામાં ૧૨૨.૯૩ ટકા, મેંદરડા ૧૦૩.૧૩ ટકા, વંથલી ૧૦૯.૬૧ ટકા અને વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૧૨૬.૪૩ ટકા વરસાદ થયો છે.

હજુ માંગરોળ તાલુકામાં સૌથી ઓછો ૭૦.૯૬ ટકા વરસાદ નોંધાયો છે.

જ્યારે કેશોદ ૭૯.૮૮ ટકા, જૂનાગઢ ૯૨.૫૬ ટકા, માણાવદર ૮૮.૪૮, માળીયા ૮૨.૮૫ ટકા વરસાદ થયેલ છે.

આમ જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૯૬.૯૪ ટકા વરસાદ વરસી જતા પીવાના પાણીની તેમજ સિંચાઈ માટેના પાણીની સમસ્યાનું મેઘરાજાએ નિવારણ કર્યુ છે.

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલ સવારના ૬ થી આજે સવારે ૬ કલાક સુધીમાં ૨૪ કલાકમાં અડધાથી ત્રણ ઈંચ વરસાદ થયેલ છે.

જૂનાગઢમાં ૧૦ અડધો ઈંચ, ભેસાણ પોણા બે ઈંચ, મેંદરડા અડધો ઈંચ, માણાવદર અઢી ઈંચ. વંથલી ૭૬ ત્રણ ઈંચ વરસાદ પડયો છે. અને આજ સવારથી સૂર્યનારાયણના આકરા તાપ સાથે તડકો નિકળતા સમગ્ર જીલ્લામાં એકંદરે વરાપનુ વાતાવરણ રહ્યુ છે.

(11:44 am IST)