Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

લોનનો હપ્તો ચડી જતાં દહીંસરના રાજાભાઇ કોળીનું અપહરણઃ છ દિવસ નજરકેદ રાખી ધોકાવી છોડી મુકયા

રાધનપુરથી ૪ લાખમાં બોલેરો લીધી હતીઃ ૪૦ હજાર ચુકવ્યા છે, બાકીની રકમ હપ્તેથી ચુકવવાની હતી

રાજકોટ તા. ૭: જસદણના દહીંસરમાં રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં રાજાભાઇ જેમાભાઇ ચોચા (ઉ.૫૦) નામના કોળી પ્રોૈઢે રાધનપુરથી ફાયનાન્સથી બંધ બોડીની બોલેરો ચાર લાખમાં ખરીદી હોઇ તેના ચાલીસ હજાર ચુકવ્યા બાદ એક હપ્તો ચુકાઇ જતાં ગાડી વેંચનાર સહિતના શખ્સોએ ગત ૧મીએ ઇકો ગાડીમાં ઉઠાવી જઇ થરાદ પાસે નજરકેદ રાખી તેમજ અવાર-નવાર મારકુટ કરી છેક ગઇકાલે કમળાપુર ચોકડીએ ઉતારી મુકતાં તેણે તેના ભાઇ રાયાભાઇ જેમાભાઇને જાણ કરતાં તેમણે ત્યાં પહોંચી સારવાર માટે રાજાભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જયુભા ઝાલા અને યુવરાજસિંહે ભાડલા પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. રાજાભાઇના કહેવા મુજબ તેણે પરિચીત એવા મુફતીભાઇ પાસેથી ૪ લાખમાં ગાડી લીધી હતી. જેનો દર મહિને હપ્તો ભરવાનો હતો. આ વખતે હપ્તો ચુકી જતાં ૩૧મીએ સાત જણા ઇકો ગાડી લઇને આવ્યા હતાં અને મને ઉઠાવી ગયા હતાં. રસ્તામાં મારકુટ કરી થરાદ લઇ ગયા હતાં. ત્યાં સતત ઘેરી રાખતા હતાં અને મારા ભાઇને ફોન કરી બાકીના ૩.૬૦ લાખ તાત્કાલીક આપી જાવ અને રાજાભાઇને છોડાવી જાવ તેમ કહેતાં હતાં. છ દિવસ સુધી મને નજરકેદ રાખી મુંઢ માર મારવામાં આવતો હતો. પુરતુ જમવા પણ આપતા નહોતાં.

અંતે આજીજી કરતાં અને પોતે પૈસા ચુકવી દેશે તેવી ખાત્રી આપતાં ગઇકાલે સાંજે કમળાપુર ચોકડીએ ઉતારીને ભાગી ગયા હતાં. ભાડલા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

(11:37 am IST)