Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

બોટાદ જિલ્લાને હરિયાળો બનાવીએઃ વિશાલ ગુપ્તા પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો વાવો : હર્ષદ મહેતા

બોટાદમાં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે કલેકટર, એસ.પી. નું ઉદ્બોધન

બોટાદમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કલેકટર શ્રી વિશાલ ગુપ્તા અને એસ.પી.શ્રી હર્ષદ મહેતાની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર

બોટાદ તા ૭  : બોટાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બોટાદ સ્થિત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ગઇકાલે કલેકટર શ્રી વિશાલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી વિહાલ ગુપ્તાએ વૃક્ષારોપણ થકી જિલ્લાને હરિયાળો બનાવવામાં યોગદાન આપનાર વ્યકિત, સંસ્થાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, આજના ગ્લોબલ વોર્મિગના સમયમાં પર્યાવરણની જાળવણીનો વિકટ પ્રશ્ન આપણી સામે ઉભો છે. ત્યારે આપણે સોૈએસાથે મળી ઘનિષ્ટ વૃક્ષારોપણ થકી બોટાદ જિલ્લો હરિયાળો બને તે માટેનું કાર્ય કરવું પડશે.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી માટે લોકો જાગૃત બાની વૃક્ષો વાવે તે માટે આગવા અભિગમ સાથે બોટાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વન મહોત્સવના ઝુંબેશ રૂપે કાર્યક્રમ હાથ ધરાયો છે. જયાં સુધી ઝુંબેશ એ લોકજુવાળ ન બને ત્યાં સુધી તે સાચા અર્થમૉ સફળ બનતી નથી. આજે વૃક્ષારોપણ થકી પર્યાવરણની જાળવણી જાગૃત બની જોડાવું પડશે. પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણા સોૈની છે.

આ પ્રસંગે અગ્રણીશ્રી સુરેશભાઇ ગોધાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના હસ્તે બોટાદ જિલ્લામાં વૃક્ષારોપણની પ્રસંશનિય કામગીરી કરનાર સંસ્થા, વ્યકિતઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.

પોલીસતાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર, નાયબ પોલીસ અધિક્ષકે બોટાદ અને બરવાળા નગરપાલિકાના પ્રમુખ, અગ્રણીઓ સર્વશ્રી પોપટભાઇ અવૈયા, જેસીંગભાઇ લકુમ, પ્રતાપભાઇ બારડ સહિતના આગેવાનો તથા પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહયાં હતાં.

(11:20 am IST)