Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સરકારનાં પ્રતિનિધિ મંડળને મોકલીને હાર્દિક મુદ્દે સમાધાનના પ્રયાસ કરવા જોઇએ : જેનીબેન ઠુંમર

ઉપવાસ મુદ્દે નિવેડો લાવવા અમરેલી જીલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખની રજૂઆત

અમરેલી તા.૭ : ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી, જિલ્લા પંચાયત અમરેલીના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરે જણાવ્યું છે કે, ગ્રામ્ય સમાજ, ખેડૂત સમાજ વરસાદ ખેંચાવાના કારણે હાલ બેહાલ બન્યો છે. પશુપાલકો ઘાસચારા વગર મુશ્કેલીમાં મુકાયા છે. સારાય રાજયમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે ખેડુતના હકક માટે હાર્દિક જેવો નવયુવાન પોતાના સમાજ માટે અને ખેડૂતોને મુશ્કેલીઓથી બહાર લાવવા દેવા નાબુદી માટે તેર તેર દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે છતા પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે ગુજરાતની દિકરી તરીકે ખૂબ દુઃખ અનુભવી રહી છું. જિલ્લા પંચાયતના અઢી વર્ષના શાસનકાળ દરમિયાન સામાન્ય લોકોએ, ગરીબ લોકોએ, કર્મચારીઓએ અમારી જિલ્લા પંચાયત સામે અનેક વખત આંદોલન કર્યા છે. જિલ્લાના પ્રથમ નાગરીક તરીકે અમારી સામે આંદોલન હોય તો પણ તેમને સાંત્વના આપવા માટે તેમનો અવાજ સાંભળવાના પ્રયાસો કર્યા હતા.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને દર્દભરી અપીલ સાથે વિનંતી કરી છે કે, મારા પિતા તુલ્યો છો પણ ગુજરાતના પ્રથમ નાગરીક છો ત્યારે કોઇપણ સમાજ કે વ્યકિત પોતાના સમાજ માટે કે અન્ય સમાજ માટે હકક માંગવા ઉપવાસ આંદોલન કરે તો તેની મંજૂરી આપવી જોઇએ અને સાંભળવા પણ જોઇએ.

સરકારનાં પ્રતિનિધિ મંડળને મોકલીને પણ સમાધાનના પ્રયાસો કરવા જોઇએ. આ પ્રશ્નોનો તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવે અને સર્વસંમત કોઇ ઉપાય કાઢીને હાર્દિકને ઉપવાસ છોડાવવામાં આવે તેવી જેનીબેન ઠુંમરે રાજયના મુખ્યમંત્રી તેમજ તેની ટીમને અપીલ કરી હતી.(૪૫.૬)

(12:30 pm IST)