Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભાણવડના બરડા ડુંગર મધ્યે આવેલા પાંડવો સ્થાપિત કિલેશ્વરનો ડુંગરાળ માર્ગ પહોળો કરવા રજૂઆત

સાંકળા રસ્તાને કારણે છાસવારે સર્જાતા નાના મોટા અકસ્માતો, ૧૦ કિ.મી.ના અંતર માટે પ્રવાસીઓનો કલાકોનો સમય વેડફાય છે

ભાણવડ, તા. ૭ :. ભાણવડના બરડા ડુંગર મધ્યે પાંડવો સ્થાપિત સુપ્રસિદ્ધ એવા કિલેશ્વરના ડુંગરાળ માર્ગને પહોળો કરી પ્રવાસીઓની મુશ્કેલી દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

ભાણવડના નથુભાઈ વિંઝવાએ રાજ્યના વન મંત્રીને કરેલી લેખીત રજૂઆત મુજબ ભાણવડના બરડા ડુંગરમાં કપુરડીના પાટીયેથી આશરે ૧૦ થી ૧૨ કિ.મી.ના અંતરે પ્રસિદ્ધ યાત્રાધામ કિલેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. કહેવાય છે કે, અહીં મહાભારતકાળમાં પાંડવોના અજ્ઞાતવાસ દરમ્યાન યુધિષ્ઠિરના હસ્તે શ્રી કૃષ્ણએ શિવલીંગની સ્થાપના કરાવી હતી.

કિલગંગાના કાંઠે આ સ્થાપના કરવામાં આવી હોવાથી તેને કિલેશ્વર મહાદેવ એવું નામ આપવામાં આવ્યુ હતું. કાળક્રમે આ પૌરાણિક અને અત્યંત પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર સ્થળનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જેઠવા વંશના રાજાઓની ઘુમલી નગરી તેમજ મોડપરનો કિલ્લો સહિતના ઐતિહાસિક સ્થળોનો પણ યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવેલો છે.

કિલેશ્વરની જગ્યા પ્રવાસીઓનું પસંદગીનું ફરવા લાયક સ્થળ બની ગયુ છે. ખાસ કરીને ચોમાસા અને શ્રાવણ માસ દરમ્યાન તો દૂર દૂરથી હજારો - લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર યાત્રાધામની મુલાકાતે આવે છે, પરંતુ આ જગ્યાએ પહોંચવા માટે કપુરડીના પાટીયેથી આશરે ૧૦ - ૧૨ કિ.મી.નો ડુંગરાળ રસ્તો ખુંદીને પહોંચી શકાય છે જે અત્યંત સાંકળો હોય વાહનો સામસામે આવી જતા ભારે ટ્રાફિકનો પ્રશ્ન ઉદ્ભવે છે અને કલાકો સુધી રસ્તામાં જ પ્રવાસીઓ ફસાયેલા રહેવાના બનાવો બને છે. એકદમ સાંકળા રસ્તાને કારણે ઘણી વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાવાની ઘટના બને છે.

તાજેતરમાં જ આવી ઘટના બની હતી જેમાં એક સ્કૂલ બસ સામેથી આવી રહેલા વાહનને સાઈડ આપવા જતા પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે અંદર રહેલા સ્કૂલના તમામ બા ળકો હેમખેમ બચી ગયા હતા. આવી ઘટનાઓ અવારનવાર આ સાંકળા રસ્તાને કારણે સર્જાતી રહે છે ત્યારે આ સ્થિતિ જોતા આ ૧૦ - ૧૨ કિ.મી.ના ડુંગરાળ રસ્તાને પહોળો અને સપાટ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય તેમજ પ્રવાસીઓ આ રસ્તાને કારણે કલાકો સુધી માર્ગમાં જ ફસાયેલા રહે છે તેને બદલે સમયસર કિલેશ્વર પહોંચી શકે અને વધુમાં વધુ સમય અહીંના પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ વાતાવરણનો આનંદ ઉઠાવી શકે.

આ ઉપરાંત ખાસ તો શ્રાવણ માસ દરમ્યાન વાહનોની ભારે ભીડ રહે છે અને કિલેશ્વરમાં પાર્કિંગની ભારે સમસ્યા સર્જાય છે. વાહનચાલકોને ના છુટકે પોતાના વાહનો આડેધડ પાર્કિંગ કરવાની ફરજ પડે છે તે જોતા બારે માસ નહિ તો કમસે કમ શ્રાવણ માસ પુરતી તો વાહન પાર્કિંગની સુઝારૂ વ્યવસ્થા કરવામાં આવે એવી પણ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે.(૨-૨)

(12:29 pm IST)