Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભાવનગરના ડો. શ્રુતિ શાહ ઇન્ટરનેશનલ કોન્ફન્સમાં કેન્સર અંગે રિસર્ચ પેપર રજૂ કરશે

ભાવનગર, તા.૭: સામાન્ય રીતે ખેડૂતો માટે માથાના દુખાવા સમાન એવા નિંદણમાં કેન્સરને નાથવાના અદભૂત ગુણો રહેલા હોવાનું ક્રાંતિકારી સંશોધન કેન્સરના સંશોધનમાં વિશ્વ કક્ષાએ ગુજરાતી મહિલા સંશોધક ભાવનગરના ડો શ્રુતિ શાહે કરતા એમને દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે આ અઠવાડિયે આયોજિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પોતાનું આ સંશોધન રજૂ કરવા નિમંત્રિત કરાયા છે .

ખેડૂતો માટે હંમેશા ઉપદ્રવરૂપ રહેલું નિંદણ એવા પ્રકારનું દ્યાસ છે કે જે મુખ્ય પાકને બદલે પોતે બેફામ રીતે વધીને પાક માટેનું તમામ પ્રકારનું પોષણ પોતે સ્વાહા કરી જાય છે .તેને ગમે તેટલું કાપવામાં આવે, બાળવામાં આવે, રસાયણોનો છંટકાવ કરવામાં છતાં એની વૃધ્ધિ અટકાવી શકાતી નથી. કેન્સરમાં નિંદણની માફક જ યજમાનના શરીરમાં તેના કોષોની બેફામ વૃધ્ધિ થાય છે .હોમિયોપથીમાં ઝેરનું મારણ ઝેર એ સિદ્ઘાંત પર કામ કરાતું હોય કેન્સરને નાથવા માટે નિંદણની વનસ્પતિઓમાંથી બનાવેલી દવાઓ વધુ કારગર પુરવાર થતી હોવાનું આ સંશોધન ડો શ્રુતિ શાહે કર્યું છે .

આ સંશોધનમાં એવું પુરવાર થયું કે ૨૧ પ્રકારની વનસ્પતિઓ જે કેન્સર માટે ઉપયોગી થયેલી છે એમાંથી ૧૯ પ્રકારની વનસ્પતિ નિંદણ હતી કેમ કે એનામાં પ્રચુર માત્રામાં એન્ટી કેન્સર તત્વો રહેલા હોવાથી તે દરેક પ્રકારના કેન્સરની સારવાર માટે અત્યંત અકસીર પૂરવાર થતું હોવાનું આ સંશોધનમાં જાણવા મળ્યું છે .વનસ્પતિઓમાંથી કેન્સર વિરોધી દવા શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેટલું અત્યંત મુશ્કેલ કાર્ય છે ત્યારે આ સંશોધન એક નકશાની માફક યોગ્ય દિશામાં લઇ જશે.

કેન્સરને નાથવા માટે ભેખ ધરનાર ડો શ્રુતિ શાહનું આ આગવું સંશોધન ઇન્ટરનેશનલ હોમિયોપથી મેડિકલ જર્નલમાં પ્રસિધ્ધ થતા એમને દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આ સંશોધન રજૂ કરવા નિમંત્રિત કરાયા છે જયાં તેઓ તા ૭ શુક્રવારે પોતાનું આ સંશોધન રજુ કરશે આ કોન્ફરન્સમાં વિશ્વભરના તબીબો-સંશોધકો ઉપસ્થિત રહેવાના છે.(૨૨.૨)

(12:25 pm IST)