Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પિતાની છત્રછાયા વગર સિહોરની દ્રષ્ટિ દવેને માતાએ હુંફ આપતા સિધ્ધી હાંસલ કરી

ભાવનગર-ઇશ્વરીયા તા.૭ : દિકરી એ માવતર માટે વ્હાલભર્યુ પાત્ર છે અને એટલે જ તેની વિશેષ સંભાળ લેવાતી હોય છે. પુત્રીની ચાલ ચલગતથી લઇને તેની કારકિર્દી અને પારકા ઘરે મોકલવાની... માતા પિતાને સ્વાભાવિક જ ચિંતા રહે જ રહે છે. પરંતુ કેટલીક પુત્રી જયારે સુપુત્રી બને ત્યારે જ્ઞાતિ, સમાજ અને ગામ સૌના માટે ગૌરવરૂપ બને છે.

પિતાની છત્રછાયા નથી, પિતાના ચહેરાને ઓળખતી થાય તે પહેલા જ પિતા કાયમી વિદાય લે છે અને ભાંગી પડેલી માતા કેટલું કરી શકે ? માત્ર માતાની હુંફથી કેટલુ થઇ શકે ? પણ આ પરિસ્થિતિમાં કશુંક ખાસ કરી બતાવે છે સિંહોરની કુ. દ્રષ્ટિ દવે.

પોતાના પિતા દિનેશભાઇ દવેનો કોઇ વાત્સલ્ય ભાવ સાંપડયો નથી પરંતુ માતા ધરણીબેન દવે દ્રષ્ટિના માતા, પિતા કે ભાઇ પુરા પરિવાર તરીકે ઉછેરે છે. જવાબદારી સાથે, કશુંક પ્રાપ્ત કરી શકે તેવી દિકરી બનાવવા.

પિતા નથી, ભાઇ નથી પણ માતા ધરણીબેન સંકલીત બાળવિકાસ યોજનાના નિરિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને લાડકો દ્રષ્ટિડો તેના માટે સર્વસ્વ છે. કયારેય દ્રષ્ટિ માતાને મૂકીને બે પાંચ દિવસ દૂર ગઇ નથી અને છેલ્લે અભ્યાસ માટે અમદાવાદ ગઇ. ધરતીબેન માટે તો સાસરે વળાવ્યાની પિડા લાગી. યાદ કરતા બંને આંખોમાં ઝળઝળિયા ચાલુ થઇ ગયા.

અભ્યાસ સાથે કળા કૌશલ્ય અને ઇત્તર સ્પર્ધા સાથે ઉજળો દેખાવ કરતી રહેતી દ્રષ્ટિની માત્ર ઉપર છલ્લી મહત્વની સિધ્ધિઓ જ જોઇએ બાકી ઘરે સન્માનપત્ર અને પુરસ્કારોનો ઢગલો થઇ પડેલ છે.

માત્ર કળામાં સ્થાન પુરસ્કારો મેળવનાર કુમારી દ્રષ્ટિ અભ્યાસમાં પાછળ નથી, ધોરણ ૧૦માં ૯૯.૬૭ ટકા સાથે સિંહોરમાં ગૌરવરૂપ બનેલ છે. ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહ વાણિજયમાં સિંહોરમાં તો પ્રથમ રહી જ અને સમગ્ર રાજયમાં ત્રીજી હરોળમાં સિધ્ધિ મેળવી ચૂકી છે.

હાલમાં દ્રષ્ટિ અમદાવાદ ખાતે વાણિજય ક્ષેત્રના અભ્યાસમાં આગળ વધી રહી છે. સીએ માટેની સીપીટીમાં ૧૩૦ - ૨૦૦ સાથે પસાર કરી વાણિજય પ્રવાહના સ્નાતક માટે અભ્યાસ ઇન્ટરમીડીયેટ (આઇપીસીસી) કરી રહેલ છે.

ચિત્રકામ, કળા, કૌશલ્યમાં રસ ધરાવતી અને માતાની હુંફ સાથે ઉછરેલી ભણેલી આ દ્રષ્ટિ અભ્યાસ વળી નવા જ પ્રવાહમાં વાણિજય ક્ષેત્રનો કરી રહી છે. છે ને, દિકરી દ્રષ્ટિ તુલસીનો કયારો... ! માતાની લગની વાત્સલ્યનું પરિણામ છે! જૂઓને કેટલાયે પદક, સન્માન, અભિવાદન વગેરેનો ઢગલો થયો છે !! (૪૫.૬)

(12:23 pm IST)