Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જિલ્લાભરના ભુદેવો લાલધુમ પોલીસ મથકે આંદોલન કરશે

સગીરાનો પતો મેળવવામાં પરિણામ શુન્ય

ભાવનગર તા.૭: સોૈરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની તળાજાની પાંખ દ્વારા તળાજા પોલીસને અલ્ટી મેટમ આપવામાં આવ્યું છે. જણાવ્યું છેકે, સગીરાનું અપહરણ થયાને ૨૦ દિવસ થયા. રાજયના મંત્રી, જિલ્લા પોલીસ વડા, ડે.કલેકટર સુધી રજુઆત કરી છતા સગીરાનો પતો મેળવવામાં તળાજા પોલીસ નિષ્ફળ રહી છે. તાત્કાલિક સગીરાનો પતો અને આરોપી ઝબ્બે નહીં થાય તો જિલ્લા ભરનો બ્રહ્મસમાજ તળાજા પોલીસ મથક સામે આંદોલનના મંડાણ કરશે.

તળાજાના શોભાવડ ગામનો ઇસમ સાંખટ ભરત મંગાભાઇ સોળ વર્ષની સગીરાને ગત તા. ૧૩/૮ ના રોજ બદકામ કરવાના ઇરાદે ભગાડીને લઇ ગયો હતો જેની ફરિયાદ નોંધાવેલ છે.

ફરિયાદના અનુસંધાને તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી હોવાનું બ્રહ્મસમાજને લાગતા તપાસનીશ પોલીસ અધિકારીને રજુઆત કરી સગીરાની ભાળ મેળવી આરોપી વહેલી તકે ઝડપાઇ તેવી રજુઆત કરેલ. પરંતુ પોલીસે દુર્લક્ષતા સેવતી હોવાની લાગણી અનુભવતા બ્રહ્મસમાજ દ્વારા રાજયકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, જિલ્લા પોલીસ વડા માલ, ડે. કલેકટરને ઘટતી કાર્યવાહી માટે રજુઆત કરી હતી. પરંતુ ઘટનાને ર૦ દિવસ થવા છતાં તમામ રજુઆતોનું પરિણામ શુન્ય મળેલ. જેના કારણે આજે આગેવાનો દ્વારા તળાજા પોલીસ મથકે પહોંચ્યા હતા. જયાં તેઓએ પોલીસ અધિકારીને ટુંક સમયમાં ઘટતી કાર્યવાહી કરવામાં નહીં આવેતો અને આરોપીને જાહેરમાં લાવવામાં નહીં આવે તો જિલ્લાનો સમગ્ર બ્રહ્મસમાજ પોલીસ સ્ટેશન સામે આંદોલન સહ ઉપવાસ પર ઉતરવાની ચિમકી લેખીતમાં આપી છે.

(12:17 pm IST)