Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં લાલપુર સજ્જડ બંધઃ બોટાદમાં ચક્કાજામ

ઉપવાસ આંદોલનને ઠેર-ઠેર સમર્થનઃ રામધુન,પ્રતિક ઉપવાસ આવેદન, યુવાનો દ્વારા મુંડન સહિતના કાર્યક્રમો સાથે વિરોધ પ્રદર્શન

હાર્દિક પટેલના સમર્થનમાં આજે લાલપુર સજ્જડ બંધ રહ્યુ છે તે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે બીજી તસ્વીરમાં બોટાદમા ચક્કાજામ, ત્રીજી તસ્વીરમાં જામજોધપુરના સીદસરમા રામધુન, ચોથી અને પાંચમી તસ્વીરમાં ઉપલેટાના કોલકી, ભાયાવદરમાં રામધુન, છઠ્ઠી તસ્વીરમાં ટંકારામાં લોકો દ્વારા રોષ, સાતમી તસ્વીરમાં સુરેન્દ્રનગર અને આઠમી તસ્વીરમાં ટંકારાના લજાઇમાં પ્રતિક ઉપવાસ થયેલ તે નજરે પડે છે (તસ્વીરઃ સનત પટેલ (લાલપુર) ઘનશ્યામ પરમાર (બોટાદ) અશોક ઠાકર (જામજોધપુર), કૃષ્ણકાંત ચોટાઇ (ઉપલેટા) હર્ષદરાય કંસારા (ટંકારા) ફઝલ ચૌહાણ (વઢવાણ)

રાજકોટ તા.૭: ''પાસ''ના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત અને ખેડૂતોના પ્રશ્ને ઉપવાસ આંદોલનનો આજે ૧૪મો દિવસ છે અને હાર્દિક પટેલના સમર્થનમાં લોકો દ્વારા ઉપવાસ, રસ્તા રોકો, રામધુન, આવેદન, સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

આજે હાર્દિક પટેલના સમર્થનમાં જામનગર જીલ્લાનુ લાલપુર ગામ સજ્જડ બંધ રહ્યુ છે અને લોકો આક્રોશ વ્યકત કરી રહ્યા છે.

આ ઉપરાંત બોટાદમાં પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

લાલપુર

લાલપુરઃ પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ૧૪ દિવસથી આમરણાત ઉપવાસ કરી રહેલા હાર્દિકના સમર્થનમાં લાલપુર પાસ સમિતિ દ્વારા લાલપુર આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં આજે લાલપુર ગામે સજ્જડ બંધ પાળ્યા છે.

લાલપુરની તમામ બજારો અને નાનામોટા વેપારી અને શાક માર્કેટ. માર્કેટિંગ યાર્ડ અને લાલપુરની તમામ સંસ્થાઓ ટેકો આપી બંધ રાખી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા તમામ બજારો સુમસામ ભાસતી હતી.

પાસ સમિતિ દ્વારા હાર્દિક પટેલના સારા સ્વાસ્ય માટે ઉમિયા માતાજી મંદિર ખાતે એક દિવસ પતીક ઉપવાસ અને રામધુનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ભાઇ બહેનો જોડાયા હતા અને રામ ધૂન બોલાવી હતી.

પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

બોટાદ

બોટાદઃ બોટાદમા આજે સવારના ૬:૩૦ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી હાર્દિક પટેલના સમર્થનમાં ચક્કાજામ કરીને સ્કુલ બસો સહિતના વાહનો રોકી રાખવામાં આવ્યા હતા. પોલીસ આવતા ટોળા વિખેરાઇ ગયા હતા.

ટંકારાઃ ટંકારામાં આજે પાસના કન્વીનર પ્રકાશભાઇ સવસાણી તથા કોંગ્રેસ તાલુકા પ્રમુખ ભુપતભાઇ ગોધાણી, આગેવાનો કાર્યકરો તથા વેપારીઓ દ્વારા બંધ પાળી, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપેલ.

ટંકારામાં મેઇન બહાર,લતીપુર ચોકડી, લક્ષ્મીનારાયણ સોસાયટી, અયોધ્યા પુરી સહિતના વેપારીઓએ બંધ પાળી સમર્થન આપેલ.

બપોર પછી શાળા કોલેજોએ પણ બંધ પાળી સમર્થન આપ્યુ હતુ.

તાલુકાના લજાઇ ગામે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તથા લજાઇના યુવાન આગેવાન દ્વારા હાર્દિક પટેલના સમર્થન પ્રતિક ઉપવાસ કરેલ.

તેમની સાથે લજાઇના પાસના કાર્યકરો ખેડુતો આગેવાનો મહીલાઓ પણ જોડાયેલ આખો દિવસ રામધુન કરાયેલ અને ઇશ્વર સરકારને સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરાઇ હતી.

કાલાવડ-ખરેડી

ખરેડીઃ કાલાવડ તાલુકાના નાના એવા ખરેડી ગામે હાર્દિક પટેલના સમર્થનમાં આજે એક હજાર યુવાનોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. ગામમાં જૂના ચોકથી વિશાળ રેલી નીકળી હતી. ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે રેલી યોજાયા બાદ પ્રતિક ઉપવાસ આંદોલનમાં કાલાવડના સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં સામેલ થયા હતા.

ટંકારા

ટંકારા : ટંકારામાં પાસના કન્વીનર પ્રકાશભાઇ સવસાણી  તથા કોંગ્રેસ તાલુકા પ્રમુખ ભુપતભાઇ ગોધાણી, આગેવાનો, કાર્યકરો તથા વેપારીઓ દ્વારા બંધ પાળી, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યુ હતું.

ટંકારામાં મેઇન બજાર લતીપુર  ચોકડી, લક્ષ્મીનારાયણ સોસાયટી, અયોધ્યાપુરી, સહિતના વેપારીઓએ બંધ પાળી સમર્થન આપેલ.

બપોર પછી શાળા - કોલેજોએ પણ બંધ પાળી સમર્થન આપ્યું હતું.

સુરેન્દ્રનગર

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા સરલા ગામે હાર્દિક પટેલના સમર્થન માટે અને પાટીદાર સમાજને બંધારણીય રીતે અનામત મળે તેમજ ખેડૂતોના દેવા માફ થાય સહિતની માંગણીને લઇ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને સમર્થન આપવા તેમજ તેની તબીયત માટે સરલા પાસ ટીમ દ્વારા નિત્ય રાત્રીના રામધુનનુ આયોજન કરવામાં આવેલ છે સરલા ગામના યુવાન અશોકભાઇ નાનજીભાઇ પટેલ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં તા. ૪-૯-૧૮ ના રોજ થી અન્નો ત્યાગ કરતા સતત ત્રીજો દિવસ ઉપવાસ કરતા આંદોલનને વધુ વેગ આપવા પ્રયાસ કરેલ છે.

મોટી પાનેલી

 મોટી પાનેલી : અમદાવાદમાં ચાલતા હાર્દિક પટેલના ધરણાના સમર્થનમાં પાનેલી મોટી ગામે આજ સાંજે કડવા પટેલ સમાજ ખાતે ગામના પાટીદાર ભાઇઓ તથા બહેનો  બહોળી સંખ્યામાં જોડાઇને હાર્દિકને સમર્થન કરેલ ગઇ કાલે સાંજે અહીંના કાળવા ચોકમાં પાટીદાર મહીલાઓએ થાળી-વેલણ વગાડીને સરકારને ઢંઢોળી હતી. પોતાનો વિરોધ પ્રદર્શીત કરેલ.

આજ સાંજ પાસના પ૧ યુવાનોએ મુંડન કરીને પોતાનો રોષ પ્રગટ કરી અનામતની માંગ તેમજ ખેડૂતોના દેવા માફી તથા ખેડૂતોને થતા અન્યાય સામે વિરોધનો શુર વ્યહન કરી હતો. આજે સવારે ૯ કલાક અખંડ રામધુન સાંજના પ કલાક સુધી રાખવામાં આવેલ હતી. કોઇ અનિચ્છનીય બનાવ બનેલ નથી. ગામના પાટીદાર ભાઇઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ પ્રદર્શીત કરેલ હતો.

ભાવનગર

 ભાવનગર : ખેડૂતો અને અનામતના પ્રશ્ને આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને તળાજા વિસ્તારમાંથી માત્ર પાટીદારોનું જ નહી કોળી સમાજના ખેડૂતોનું પણ સમર્થન મળ્યુ. જે રાજયની પ્રથમ ઘટના કરી શકાય. મેથળા ખાતે હાર્દિકના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉપવાસમાં જોડાયા હતાં.

મેથળા બંધારા સમિતિ દ્વારા સ્વંય શ્રમયજ્ઞ કરી હજારો ખેડૂતોએ અપના હાથ  જગન્નાથ કરી બાંધેલા બંધારા સમયે હાર્દિક પટેલ એ મેથળા બંધારા સમિતિની બંધારા પર જઇ લીધેલી મુલાકાત અને આપેલ સહાયનું ઋણ ચુકવવા મેથળા બંધારા સમિતિના પ્રતાપભાઇ ગોહીલ, ગગુભાઇ બારૈયા, ભરતસિંહ વાળા, ઘનશ્યામભાઇ બારૈયા, સરતાનપર (બંદર) ના હીમતભાઇ સાંખટ પાસના હરેશ ગોટી સહિતના આગેવાનો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં આજે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં આશરે ભાઇઓ-બહેનો મળી એકસોથી વધુ લોકો જોડાયા હતાં.

સરતાનપર (બંદર) ના રાજકીય  આગેવાન શંકરભાઇ ચુડાસમાં એ જણાવ્યું હતું કે કોળી સમાજના ખેડૂતો મોટા પ્રમાણમાં છે. હાર્દિકને સમર્થન એટલે આપવામાં આવેલ કે કોળી સમાજના જ ખેડૂતો માટે હાર્દિક અહીં આવેલ.

પાસના આગેવાન હરેશ ગોટીના જણાવ્યા પ્રમાણે આજે શુક્રવારે તળાજાના ઉંચડી ગામે હાર્દિકના સમર્થનમાં એક દિવસીય ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવશે.

જામજોધપુર

જામજોધપુર : તાલુકાના આસર (ઉમીયાધામ) ગામ કે જયા સમગ્ર કડવા પાટીદારીના કુળદેવી મા ઉમીયા માતાજીનું મંદિર આવેલ છે તે ગામે હાર્દિક તથા અમદાવાદમાં છેલ્લા ૧૩ દિવસ થયા પાટીદાર અનામત ની માંગ અને ગુજરાત ખેડૂતોના દેવા માફ કરવા અંગે અનશન પર બેઠેલા છે. તેમના સમર્થનમાં સજ્જડ ગામે બંધ પાળ્યું હતું તેમજ  સદસર પટેલ સેવા સમાજ ગામે આખો દિવસ રામધુન બોલાવેલ હતી જયાં વિશાળ સંખ્યામાં પાટીદાર ભાઇ-બહેન ઉપસ્થિત રહેલ હતાં.

(11:55 am IST)