Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અમરેલી જિલ્લાની ૭૫ શાળાઓ માટે ગણિત મહોત્સવ યોજાશે

દેશના અનેક વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે: જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા અનેરૂ આયોજન.

બગસરા ; આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આગામી ૧૩ ઓગસ્ટના રોજ સાવરકુંડલા ખાતે ભારત દેશમાં સૌપ્રથમ વખત અમરેલી જિલ્લાની ૭૫ શાળાઓ માટે વિશિષ્ટ પ્રકારના ગણિત મહોત્સવનું આયોજન જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી દ્વારા કરવામાં આવેલ છે જેમાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ એન્ડ સાયન્સ ક્લબના સહયોગથી દેશભરના વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે.

    વિગત અનુસાર અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ અને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ એન્ડ સાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે ભારત દેશમાં સૌપ્રથમ વખત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની ૭૫ શાળાઓમાં એકીસાથે ગણિત મહોત્સવનું આયોજન તા.૧૩ ઓગસ્ટ ના રોજ સાવરકુંડલા મુકામે કરવામાં આવેલ છે. જેમાં દેશભરમાંથી ગણિતશાસ્ત્રીઓ તથા વૈજ્ઞાનિકો જેવા કે ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવલ , પ્રખ્યાત ગણિતજ્ઞ ડો. બી.એન. રાવ સહિતના ઉપસ્થિત રહી બાળકોને ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા પ્રોત્સાહિત કરશે. આ ગણિત મહોત્સવ અંતર્ગત  ધોરણ ૧થી૮ ના બાળકોને સરળતાથી ગણિત શીખવી શકાય તે માટે શાળાઓને ગણિતની ૯૦ જેટલી પ્રવૃત્તિઓ માટેની એક કીટ ભેટમાં આપવામાં આવશે સાથે સાથે આ તમામ શાળાઓમાં એકીસાથે ગણિત માટેની એક ક્લબ પણ ઊભી કરવામાં આવશે,  તેમજ વૈદિક ગણિતને મહત્વ આપતા એક સેમીનારનું પણ આયોજન કરવામાં આવેલ છે.

કાર્યક્રમમાં  ચાર વિભાગો જેવા કે મેથ્સ પઝલ, મેથ્સ મોડેલ પ્રેઝન્ટેશન, મેથ્સ ક્વિઝ, તેમજ શિક્ષકો માટે મેથ્સ પેપર પ્રેઝન્ટેશન સહિતના વિભાગોમાં બાળકો તથા શિક્ષકો સ્પર્ધક તરીકે જોડાઈને પોતાની પ્રતિભા રજુ કરશે. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી ના ચેરમેન વિપુલભાઈ દુધાત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સોલંકી સાહેબ તથા ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ એન્ડ સાયન્સ ક્લબના રાષ્ટ્રીય ચેરમેન ચંદ્રમૌલી જોશી દ્વારા  તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

(8:59 pm IST)