Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભાવનગર માં મહોર્રમ નિમિત્તે કાલે શહેર જીલ્લામાં આકર્ષક તાજીયા પડ માં આવશે : મંગળવારે રાત્રે તાજીયા ટાઢા કરાશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને ધ્યાને રાખી અને સરકારની ગાઈડ લાઈન મુજબ મુસ્લીમ બિરાદરો દ્વારા પવિત્ર મહોરમ તહેવારની ઉજવણી સંપૂર્ણ સાદગી પૂર્ણ રીતે કરવામાં આવી હતી . જ્યારે બે વર્ષ બાદ આ વર્ષે દર વર્ષની પરંપરા મુજબ ભાવનગર શહેરમાથી ૩૫ જેટલા આકર્ષક તાજીયા ઝુલુસ નીકળશે . આ ઉપરાંત ઘોઘા , તળાજા , પાલીતાણા , મહુવા , ગારીયાધાર , ઉમરાળા , શિહોર , જેસર , વલ્લભીપુર , સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાજીયા ઝુલુસ નીકળશે અને મહોરમ પર્વને આસ્થા અને શ્રધ્ધાભેર મનાવવામાં આવશે . 

તા . ૮ ને સોમવારે સાંજે મગરીબની નમાઝબાદ તમામ તાજીયા પડ માં આવશે . જ્યારે મોડી રાતથી વ્હેલી સવાર સુધી તમામ તાજીયા ઝુલુસ શહેર જીલ્લાના રાજમાર્ગો ઉપર અને તાજીયા રૂટ ઉપર આખી રાત ફરશે . જ્યારે તા . ૯ ને મંગળવારે બપોરબાદ તમામ તાજીયા તેના રાબેતા રૂટ મુજબ સરઘસ રૂપે નીકળશે અને મોડી રાત્રે ૧૦ કલાકે શહેરના તમામ તાજીયા ઘોઘા બંદર ખાતે ટાઢા કરવામાં આવશે . મહોરમ પર્વને ધ્યાને રાખી ભાવનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે અને જીલ્લા પોલીસ અધિકારી કચેરી ખાતે મહોરમ પર્વ સંદર્ભે ઉચ્ચ અને સંબંધિત અધિકારીઓ અને તાજીયા કમીટી અને સમસ્ત મુસ્લીમ સમાજના આગેવાનોની બેઠકો પણ આ અગાઉ યોજવામાં આવી હતી . તાજીયા ઝુલુસ ઉપરાંત મહોરમના પવિત્ર દિવસો દરમ્યાન ઘણા જ મુસ્લીમ બિરાદરો નિફલ રોઝા રાખે છે . નિફલ નમાઝ પઢે છે અને ખાસ દવાઓ કરે છે જેમા ખાસ કરીને ૧૦ મી મહોરમ આસુરાના દિવસે ભાવનગર શહેર જીલ્લાની તભમામ મસ્જીદોમાં આસુરાની ખાસ દુવાઓ કરવામાં આવશે . અને મુસ્લીમ વિસ્તારો અને તાજીયા રૂટ ઉપર ઠંડા પાણી , સરબત , દુધ કોલ્ડ્રીંકસ અને નિયાઝ ( પ્રસાદી ) નું વિતરણ પણ કરવામાં આવશે . જે રીતે મુસ્લીમ બિરાદરો તાજીયાના દિદાર ( દર્શન ) માટે નીકળે છે તેજ રીતે હિન્દુ ભાઇઓ બહેનો પણ તાજીયાના દિદાર માટે આવે છે અને કોમી એકતા અને ભાઇચારાના દર્શન થાય છે .

 અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામી હિજરી સન ૬૧ અને દસમી મહોર્રમ શુક્રવારના દિવસે મેદાને કરબલામાં થયેલ સત્ય અને અસત્યનો જંગ એટલો કરૂણ અને દર્દનાર છે કે પથ્થર દિલ ઇન્સાન પણ દાસ્તાને કરબલા સાંભળતા ચોંધાર આસુએ રડી ઉઠે છે . આજના દિવસે હઝરત ઇમામ હુસૈન ( રદીયલ્લાઅન્હો ) એ દિને ઇસ્લામ માટે અને સત્યની તરફદારી ખાતર પોતાના વ્હાલા કુટુંબીજનો અને વફાદાર સાથીદારો સાથે કરબલાના મેદાનમાં શહાદત વ્હોરી છે . આપની મહાન શહાદતની યાદમાં પવિત્ર મહોર્રમ નો તહેવાર મનાવવામાં આવે છે . અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામી કેલેન્ડર મુજબ મહોર્રમ માસ મુસ્લીમ બિરાદરોનો પ્રથમ માસ છે , મહોર્રમના પ્રથમ ચાંદથી ઇસ્લામના નવા વર્ષનો પ્રારંભ થાય છે , હાલમાં હિજરી સન ૧૪૪૩ પુરો થયો છે અને હિજરી સન ૧૪૪૪ નો પ્રારંભ થયો છે . હિજરી સન ૬૧ અને દસમી મહોર્રમના દિવસે મેદાને કરબલામાં હઝરત ઇમામ હુસેન રદી . અને આપના ૭૨ વફાદાર સાથીદારોએ સહાદત વ્હોરી છે તેથી આ ઘટનાને ૧૩૮૩ વર્ષ પુરા થયા છે.

(6:49 pm IST)