Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ભાવનગરના વેળાવદરમાં ૫ ઇંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા : રસ્તો બંધ : એનડીઆરએફની ટીમનું આગમન

ભાવનગર તા. ૭ : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અડધાથી સવા ઇંચ વરસાદ પડયો છે. ગારીયાધારના વેળાવદરમાં પાંચ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને રસ્તાઓ બંધ થઇ ગયા હતા. જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે.

ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જામી ગયો છે. જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ગારીયાધાર તાલુકાના વેરાવદર પંથકમાં મુશળધાર વરસાદ તૂટી પડતા ગામનાં રસ્તાઓ પાણી ભરાઇ જતાં બંધ થઇ ગયા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ઘુસી જતા જનજીવનને ભારે અસર થઇ હતી. જ્યારે બગદાણા પંથકમાં પણ ત્રણ ઇંચ વરસાદ પડયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગામના તળાવો છલકાઇ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.

સિહોરમાં સવા ઇંચ વરસાદ પડયો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડયો છે. ભાવનગરમાં વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે.

(11:53 am IST)