Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે ભાણવડના ખેડૂતે કોઠાસુઝથી નાના ખેડૂતોને પણ પોસાય તેવું બાઇક સાતીનું નિર્માણ કર્યું

ભાણવડઃ  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા જયેશ સગરે નાના ખેડૂતોને પણ પોષાય એવું બાઇક સાતી કમ વાવણીયોબનાવ્યો છે. તેમણે બનાવેલું આ બાઇક સાંતી મિનિ ટ્રેક્ટર અને બળદનો વિકલ્પ બની રહ્યું છે. ખેતી ખર્ચ ઘટાડે છે.

જયેશ સગર દશ ધોરણ નાપાસ છે અને વડિલોપાર્જિત છ વીઘા જમીન ધરાવે છે. તેમણે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, “હું દશમા ધોરણમાં નાપાસ થયો એટલે મારી પાસે કોઇ કામ નહોતુ. ખેતી મોંઘી થતા ખેડૂતોને બળદ અને મિનિ ટ્રેક્ટર પણ પોષાય એમ નથી. મને વિચાર આવ્યો કે, એવુ કશુંક બનાવીએ જેથી 4-6 વીઘા જમીન રાખતા ખેડૂતો પણ આ સાધન વસાવી શકે. કેમ કે, મોટા ટ્રેક્ટર 8થી 9 લાખ રૂપિયામાં આવે છે. મિનિ ટ્રેક્ટર ખરીદો તો અઢી લાખ જેટલો ખર્ચ થઇ જાય છે. એટલે મેં સેકન્ડ હેન્ડ બાઇકને કન્વર્ટ કરી તેનો ખેતીમાં હળ હાંકવા અને વાવણી કરવા માટે એક મોડેલ બનાવ્યું. આ મોડેલને ખેડૂતોએ અપનાવ્યું અને સફળતા મળતી."

જયેશ સગર કહે છે કે, "ખેડૂત સેકન્ડ હેન્ડ બાઇક લઇને આવે તો હું તેમને 35,000 અને 37,000 એમ બે પ્રકારના મોડેલ તૈયાર કરી આપું છું. 100 સીસીથી ઉપરના કોઇ પણ બાઇક જેવા કે, બજાજ, હોન્ડા, પલ્સર, બુલેટ, રાજદૂતનો ઉપયોગને આ મોડેલ બનાવવામાં કામ લાગે છે. જૂના સેકન્ડ હેન્ડ બાઇક પાંચ હજારમાં મળી જાય છે. અમારો અનુભવ છે કે, આ બાઇક સાંતી કમ વાવણીયો ખેડૂતોને ખુબ સસ્તો પડે છે. કેમ કે, તે પેટ્રોલથી ચાલે છે. આ ઉપરાતં, હું 200 રૂપિયામાં છ વીઘા જમીનને હાંકી કે વાવણી શકું છું. પણ જો હું આટલી જ જમીન ભાડેથી હંકાવુ તો 1200 થાય. વળી, આ બાઇક સાંતિનો મલ્ટિપર્પઝ ઉપયોગ છે. તેમા રિવર્સ ગિયર નાંખવામાં આવ્યો છે. જેથી નાનું ખેતર હોય તો પણ આસાનીથી ખેડી શકાય છે”.

છેલ્લા ત્રણ વર્ષમાં તેમણે 45થી વધુ આવા બાઇક સાંતી બનાવીને ખેડૂતોને વેચ્યા છે. પોરબંદર, રાજકોટ, જામનગર, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો તેમણે બનાવેલા આ બાઇક સાંતિનો ઉપયોગ કરે છે.

સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ટ્રેક્ટરના વિકલ્પ તરીકે બુલેટ સાંતિ (સનેડો), છકડાનો તો ખેતીમાં ઉપયોગ કર્યો જ છે પણ હવે જયેશ સગર જેવા ઇનોવેટરે બાઇકનો પણ તેમાં ઉપયોગ કરતા ખેતીની ઇન્પુટ કોસ્ટ ઘટશે એવી ખેડૂતોને આશા છે અને એમ કહો કે, આ જ મેઇક ઇન ઇન્ડિયા છે’.

(6:43 pm IST)