Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

મગફળી કૌભાંડમાં મગન ઝાલાવડીયા-રોહીત બોડાના બેંક લોકરોમાં તપાસ

પોલીસની ટીમો દ્વારા લોકરો, અને બેંક ખાતાની ચકાસણીઃ મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયાની ઓડીયો કલીપ એફએસએલમાં મોકલાશેઃ માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ માનસીંગ સહિત ૪ ની તોળાતી ધરપકડઃ મગન ઝાલાવડીયાની તરઘડી સ્થિત સહકારી મંડળીમાં પણ પોલીસની તપાસ

રાજકોટ, તા., ૭: જેતપુરના પેઢલાના મગફળી કૌભાંડમાં મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા તથા રોહીત બોડા  સહિત ૩ના નિવાસસ્થાને  અને ઓફીસે  ગઇકાલે પોલીસે દરોડા પાડયા બાદ આજે તેના બેંક લોકરો અને બેંક ખાતાની પોલીસે ચકાસણી હાથ ધરી છે. તેમજ ગઇકાલે મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયાની વાયરલ થયેલ ઓડીયો કલીપ  પોલીસે એફએસએલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે અને અટકાયત કરાયેલ માળીયા હાટીના  તાલુકા ભાજપ પ્રમુખ સહિત ૪ ની આજ સાંજ સુધીમાં ધરપકડ તોળાઇ રહી છે.

મગફળી કૌભાંડમાં ગઇકાલે પોલીસે  દસ્તાવેજી પુરાવા કબ્જે કરવા  મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા(રહે. તરઘડી)ના નિવાસસ્થાન, ઓફીસ તથા  તેની હોટલમાં દરોડા પાડયા હતા. પોલીસને મગન ઝાલાવડીયાના નિવાસસ્થાને ૧૪૭ ગ્રામ સોનુ, ચાંદી તથા ૩ર હજારની રોકડ મળી હતી તથા અન્ય દસ્તાવેજો મળી આવતા કબ્જે કરાયા હતા. તેમજ અન્ય આરોપી રોહીત લક્ષ્મણભાઇ બોડા (રહે. લખધીરગઢ, તા. ટંકારા)ના નિવાસસ્થાને તથા જીજ્ઞેશ ત્રિભોવન ઉજટીયા (રહે .ભુતકોટડા)ના નિવાસસ્થાને પોલીસે દરોડા પાડયા હતા અને ત્યાંથી જરૂરી દસ્તાવેજો મળી આવતા તે કબ્જે કર્યા છે.

દરમિયાન આજે મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા, રોહીત બોડા તથા જીજ્ઞેશ ઉજટીયાના બેંક લોકરોમાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ આ ત્રણેયના બેંન્કીંગ વ્યવહારોની પણ તપાસ હાથ ધરી ેછે. ત્રણેય સ્થળે અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા બેંક લોકરો અને બેંકના ખાતાની તપાસ હાથ ધરાઇ છે.

આ અંગે રૂરલ એસપી બલરામ મીણાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે,ગઇકાલે  મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા સહીત ત્રણેયના નિવાસસ્થાન, ઓફીસે દરોડા પડાયા બાદ આજે બેંક લોકરો અને બેંકના ખાતાની તપાસ હાથ ધરાઇ છે અને ત્યાંથી અપ્રમાણસરની મિલ્કતો મળશે તો તે અંગે અલગ કાર્યવાહી કરાશે.

એસપી બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે ગઇકાલે મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા અને માનસીંગ વચ્ચેેની વાયરલ થયેલ ઓડીયો કલીપ એફએસએલમાં મોકલાશે. ઓડીયો કલીપમાં મગન ઝાલાવડીયા અને માનસીંગનો અવાજ છે કે કેમ? તે જાણવા માટે બંન્નેના વોઇસ ટેસ્ટ  કોર્ટની મંજુરી બાદ લેવામાં આવશે.  ઓડીયો કલીપમાં જેનું નામ છે તે માનસીંગ પોપટભાઇ લાખાણી (રહે. લાઠોદરા, તા. માળીયા હાટીના) કે જે માળીયા હાટીનાના તાલુકા ભાજપના પ્રમુખ છેે તેની અટકાયત કરાઇ પુછપરછ હાથ ધરાઇ છે. તેમજ આ કૌભાંડમાં અન્ય શંકાસ્પદ ઇસમો ગોગન મેરામભાઇ ચુડાસમા (રહે. નાની ધાણેજ), દેવદાન મંગાભાઇ જેઠવા (રહે. મોટી ધાણેજ), ધીરૂ કાળાભાઇ જેઠવા (રહે. મોટી ધાણેજ) તથા હમીર બાવાભાઇ જેઠવા (રહે. મોટી ધાણેજ) ની અટકાયત કરાઇ છે અને આજ સાંજ સુધીમાં પુછતાછ બાદ આ ચારેયની ધરપકડ કરાઇ તેવી શકયતા છે.

તેમજ મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા કે જે તરઘડીમાં મંડળી ચલાવે છે ત્યાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને જો કોઇ ગેરરીતી જણાશે તો આગળની કાર્યવાહી કરાશે.(૪.૨)

(11:46 am IST)