Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

હાર્દિક પટેલની કાલે દડવાથી દ્વારકા વિજય સંકલ્પ યાત્રા

પાટીદાર અનામત-દેવામાફીની માંગઃ વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આયોજનના ભાગરૂપે કાર્યક્રમઃ ગુરૂવારે દ્વારકાધીશ ભગવાનને ધ્વજારોહણ કરાશે

રાજકોટ, તા. ૭ :. પાટીદાર સમાજને અનામત આપવાની અને ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની માંગણી સાથે અને વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના સફળ આયોજનના ભાગરૂપે કાલે તા. ૮ને બુધવારે મોટા દડવાથી 'પાસ'ના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની આગેવાનીમાં વિજય સંકલ્પ યાત્રાનું દડવાથી દ્વારકા સુધી આયોજન કરવામાં આવ્યુ છે.

આ અંગે હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, કાલે બુધવારે સવારે ૭.૩૦ વાગ્યે જસદણ તાલુકાના મોટા દડવાથી વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા મોટા દડવાથી ઈશ્વરીયા, કાનપર, સાણથલી, વાંસાવડ, દેરડી-કુંભાજી, સુલતાનપુર, અમરનગર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોલકી, પાનેલી, સિદસર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, જામનગર, જામખંભાળીયા થઈને રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ દ્વારકા પહોંચશે. જ્યાં રાત્રી રોકાણ કરીશું.

તા. ૯ને ગુરૂવારે સવારે ૮.૩૦ વાગ્યે દ્વારકાધીશ મંદિરે સત્યની લડાઈમાં વિજય થઈએ તેની આસ્થા સાથે ધ્વજા ચડાવવામાં આવશે.

હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, ઉદ્યોગપતિઓનું જો દેવુ માફી થઈ શકતુ હોય તો ખેડૂતોનું દેવુ માફી કેમ ન થઈ શકે ? આ માટે વિજય સંકલ્પ યાત્રાનું એક દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે.(૨-૩)

(10:49 am IST)