Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ : ડેમ અને તળાવો ઓવરફ્લો થવાની શક્યતા

કલેકટર દ્વારા લોકોને સાવચેત રહેવા, જીવનજરૂરી પૂરવઠો સંગ્રહ કરી રાખવા તેમજ પશુઓની યોગ્ય વ્યવસ્થા કરી રાખવા અપીલ કરાઈ

જામનગર તા. 07 : જામનગર જિલ્લામાં પણ સૌરાષ્ટ્રની સાથે સાથે અષાઢી બીજનાં દિવસથી જ મેઘરાજાએ એન્ટ્રી લઈ લીધી છે. અને છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ પણ વરસી  રહ્યો છી. જેના પગલે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 9 અને 10 જુલાઇએ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન  વિભાગની આગાહીના પગલે જિલ્લામાં આવેલ ડેમ અને તળાવો ઓવરફ્લો થવાની શક્યતા રહેલ છે. ત્યારે કલેકટર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ગત વર્ષોમાં પુરની સ્થિતિમાં પણ લોકો ગફલતમાં રહી પાણીમાં ન્હાવા પડવાથી ડુબી જવાના તથા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી માનવ મૃત્યુના બનાવ બનેલ છે.

કુદરતી આપદાઓ સામે સાવચેતી એ જ આપણી સુરક્ષા છે. ત્યારે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું છે કે, વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું તથા અજાણ્યા પાણીમાં પ્રવેશ ન કરવો, બાળકોને આવા પાણીથી દુર રાખવા તથા બિન જરૂરી સાહસ કરી બ્રિજ પર કે ડેમ સાઇટ પર પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે, ચાલીને પસાર થવું નહી. જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી અત્યારથી જ સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવુ. ઉંચાણ વાળા વિસ્તારોમાં પાકા મકાનમાં આશ્રય લેવા, જીવનજરૂરી પૂરવઠો સંગ્રહ કરી રાખવા, ખેતરના પાકનો યોગ્ય સંગ્રહ કરી લેવા તથા પશુઓની યોગ્ય વ્યવસ્થા કરી રાખવા પણ કલેકટર દ્વારા અપીલ કરાઈ છે.

(8:47 pm IST)