Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ઘણી ખમ્‍મા ભુપેન્‍દ્રભાઈને... ધ્રોલના રસ્‍તા ટકાટક બની જશે

રસ્‍તાઓમાં મસમોટા ખાડાઓ પડી ગયા હોય અનેક વખત રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી પણ હલતુ ન હતું, પરંતુ રવિવારે મુખ્‍યમંત્રી આવી રહ્યા હોય રોકેટની ઝડપે રસ્‍તાનું કામ ચાલુ

રાજકોટ : રાજકોટ - જામનગર હાઈવે ઉપર ધ્રોલ ખાતે રોડ રસ્‍તાનો પ્રશ્ન લાંબા સમયથી અટવાયેલો રહ્યો. અનેક વખત રજૂઆતો છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતુ ન હતું. પરંતુ ૧૦મીના રવિવારે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ધ્રોલ ખાતે આવનાર હોય તંત્રને આ બાબતની જાણ થતાં રાતોરાત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

આ અંગેની મળતી વિગતો મુજબ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ૧૦મીના રવિવારે ધ્રોલ ખાતે આવી રહ્યા છે. તેઓ ધ્રોલથી ૩ કિ.મી. દૂર ખારવા રોડ ઉપર હેલીપેડ તૈયાર કરાયુ છે. ત્‍યાં હેલીકોપ્‍ટર મારફત આવનાર છે. તેઓ ધ્રોલની જી. એમ. પટેલ સ્‍કુલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપનાર છે.

દરમિયાન ધ્રોલ ખાતે લાંબા રસ્‍તાઓ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. વાહનચાલકોને અનેક મુશ્‍કેલીઓનો સામનો રોજ-બરોજ કરવો પડે છે. આ મામલે અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતા કોઈ પગલા લેવામાં આવ્‍યા ન હતા. પરંતુ મુખ્‍યમંત્રી ધ્રોલ ખાતે આવી રહ્યાની તંત્રને જાણ થતાની સાથે જ આજે વ્‍હેલી સવારથી જ રોડ રસ્‍તા બુરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્‍યુ હતું. (તસ્‍વીરઃ સંજય ડાંગર, ધ્રોલ)

(1:28 pm IST)