Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સૌરાષ્‍ટ્રમાં મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટ જિલ્લામાં : કપાસ સૌથી વધુ અમરેલીમાં

સમગ્ર વિસ્‍તારમાં મગફળી કરતા કપાસની વાવણી ૨૫ ટકા વધુ : રાજ્‍યમાં કુલ વાવણી ૩૦૨૦૬ હેકટરમાં ૩૪.૯૯ ટકા વાવેતર

રાજકોટ તા. ૭ : ગુજરાતમાં વાવણીની મોસમ પુરબહારમાં ખીલી છે. રાજ્‍યમાં ખરીફ પાક તરીકે મુખ્‍યત્‍વે કપાસ, મગફળીનું વાવેતર થઇ રહ્યું છે. સૌરાષ્‍ટ્રમાં આ વર્ષે તા. ૪ જુલાઇની સાંજ સુધીના સત્તાવાર આંકડા મુજબ મગફળી કરતા કપાસની વાવણીનું પ્રમાણ ૨૫ ટકા વધુ છે. રાજ્‍યમાં ૩૪ ટકાથી વધુ વાવણી થઇ ગઇ છે. ધાન્‍ય પાકોનું ૫.૬૭ ટકા, કઠોળ પાકોનું ૧૧.૧૯ ટકા, તેલીબિયા પાકોનું ૩૯.૩૨ ટા અને અન્‍ય પાકોનું ૪૪.૪૪ ટકા વાવેતર થયું છે.

ગુજરાતમાં ૪૦૩૨૨૫૫ હેકટર જેટલો વાવેતર વિસ્‍તાર છે. અત્‍યાર સુધીમાં ૩૨૨૦૬૧૬ હેકટરમાં વાવેતર થયું છે. કપાસ, મગફળી ઉપરાંત ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, અડદ, તલ, દિવેલા, સોયાબીન, ગુવાર ગ્રીડ, શાકભાજી, ઘાસચારો વગેરે વાવવામાં આવેલ છે. ગયા વર્ષે કપાસના વિક્રમસર્જક મણના રૂા. ૨૫૦૦થી વધુ ભાવ મળતા આ વખતે કપાસનું વાવેતર વધુ થઇ રહ્યું છે.

ચોમાસુ વાવેતરમાં સમગ્ર રાજ્‍યમાં સૌરાષ્‍ટ્ર વિસ્‍તાર આગળ છે. સૌરાષ્‍ટ્રમાં ૨૨૯૯૫૦૦ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. મગફળી સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ૧૭૧૫૦૦ હેકટરમાં અને સૌથી ઓછી ૫૧૦૦ હેકટરમાં બોટાદ જિલ્લામાં વાવવામાં આવેલ છે. કપાસ સૌથી વધુ ૨૯૭૬૦૦ હેકટરમાં અમરેલી જિલ્લામાં અને સૌથી ઓછો ૨૪૦૦ હેકટરમાં સોમનાથ જિલ્લામાં વાવવામાં આવ્‍યો છે. રાજ્‍યમાં હજુ વાવણી ચાલુ છે.

(12:58 pm IST)