Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સણોસરામાં મોરલાના અષાઢી ટહુકાર અને વર્ષાના ઝરમર છાંટણા સાથે લોકભારતીમાં કાવ્‍ય સંગોષ્‍ઠી

 ઈશ્વરિયા  તા.૭ : લોકભારતી  ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ  દ્વારા મોરલાના અષાઢી ટહુકાર અને વર્ષાના ઝરમર છાંટણા સાથે લોકભારતીમાં કાવ્‍ય સંગોષ્ઠીમાં કવિ વિનોદ જોષી અને   તુષાર શુક્‍લ દ્વારા રચનાઓ સાથે સંવાદ યોજાયો હતો.

 કવિ  વિનોદ જોષીએ પોતાના સાહિત્‍ય સર્જન સંબંધે કહ્યું કે મને શીખવનાર શિક્ષકે બારાક્ષરી સાથે કવિતા રચવાનું શિખવ્‍યાનો ભાવ વ્‍યક્‍ત કર્યો. કવિતા એ કેળવણી નહિ પણ ભાવ જગતનું પરિણામ છે ભાવનો અનુભવ કરાવવો એ જ કવિતાનું કાર્ય છે. કવિ તુષાર શુક્‍લે પોતાના કવિ તરીકેના સર્જન બાબત કહ્યું કે હું શબ્‍દો વાપરતો નથી, ઉપયોગ કરૂ છું. કવિઓ કળા અને કારીગરી સાથે શબ્‍દોથી કાવ્‍ય રચના કરતા હોય છે.

 સંકલનમાં રહેલા લેખક  ભદ્રાયું વછરાજાનીએ આ કવિઓના -પ્રયોજન વિશે કહ્યું કે, આવ્‍યા હતા ‘મળવા'પણ લગાવી દીધા.  સાથે જ સંકલનમાં સંસ્‍થાના વિશાલ ભાદાણીએ રસપ્રદ પ્રશ્‍નો સાથે મહાનુભાવો પાસેથી કાવ્‍ય રચના આસ્‍વાદ અને અનુભવો માટે કરેલા આગ્રહનો લાભ અપાવ્‍યો હતો.

 વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓને  લોકભારતીમાં યોજાયેલ આ કાવ્‍ય સંગોષ્‍ઠીમાં વિદ્યાર્થીઓ સાથે પ્રશ્‍નોત્તરીમાં કાવ્‍ય રચનાની ભૂમિકા અને સર્જનની થતી ભાવ પ્રક્રિયાની સરળ સમજૂતી આપી હતી.  કાર્યક્રમના પ્રારંભે પ્રાધ્‍યાપક  વિશાલ જોષીએ કવિઓ અને તેઓના સાહિત્‍ય ખેડાણ વિશે વિગતો આપી હતી.  આભારવિધિ સંસ્‍થાના નિયામક હસમુખભાઈ દેવમૂરારીએ કરી હતી. સંસ્‍થાના વડા અરૂણભાઈ દવે સાથે પ્રાધ્‍યાપકો કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર આયોજનનો લાભ લેવાયો હતો.

(12:14 pm IST)