Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સવારે માંગરોળ-૧ાા, માણાવદરમાં બે ઇંચ

સોરઠમાં બીજા દિ'એ પણ મેઘમહેર : માંગરોળમાં સતત વરસાદથી જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત : સવારમાં જ માણાવદરના અનેક વિસ્‍તારો પાણી પાણી : નદીઓમાં પુર : ખેતરોમાં પાણી ઓસરતા નથી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૭ : સોરઠમાં આજે સતત બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત રહેતા માંગરોળ અને માણાવદરમાં સવારે ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઇ ગયું છે.

છેલ્લા ૨૪ કલાકમાં દરમ્‍યાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૩૧૦ મીમી વરસાદ થતા મોસમનો કુલ વરસાદ વધીને ૩૩.૨૮ ટકા થયો છે.

જિલ્લાના માંગરોળ તાલુકામાં ૨૪ કલાક દરમ્‍યાન સૌથી વધુ ૧૧૮ મીમી (૪ાા ઇંચ) વરસાદ નોંધાયો હતો અને આજે સવારે પણ માંગરોળ વિસ્‍તારમાં મેઘ સવારી આવી પહોંચી હતી.

માંગરોળમાં સવારના છ વાગ્‍યાથી મેઘાએ ધોધમાર વરસવાનું શરૂ કર્યું હતું. જેના પરિણામે સવારના પ્રારંભિક બે કલાકમાં ૩૦ મીમી એટલે કે દોઢ ઇંચ પાણી વરસતા માંગરોળના લોકોના હાલ બેહાલ થઇ જાય છે.

સતત મેઘ વર્ષાની માંગરોળ પંથકના ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરવાનું નામ લેતા નથી.

માંગરોળની માફક આજે વહેલી સવારના માણાવદર વિસ્‍તારમાં મેઘો તૂટી પડયો હતો.સવારના ચાર વાગ્‍યાની માણાવદર ખાતે મેઘાએ હાલ વરસવાનું શરૂ કરતા લોકો મુશ્‍કેલીમાં મુકાય ચુકાય ગયા હતા.

સવારના ૪ થી ૬ ના બે કલાકમાં ૪૧ મીમી પાણી ઠલવાતાં માણાવદરની નદીઓમાં ઘોડાપુર આવ્‍યા હતા.

 આ પછી સવારના આઠ વાગ્‍યાથી માણાવદરમાં મેઘાનું જોર ઘટયું હતુ જો કે સવારના ૬ થી ૮ માં ૮ મીમી વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં અન્‍ય વિસ્‍તારોમાં પણ સવારથી મેઘો હેત વરસાદી રહ્યો છે જૂનાગઢ શહેર તેમજ તેની આસપાસના વિસ્‍તારો ઉપરાંત ગિરનાર અને દાતાર પર્વત-જંગલમાં પણ સવારથી મેઘાએ પડાવ કર્યો છે.

આ લખાય છે ત્‍યારે પણ જૂનાગઢમાં અવિરત વરસાદ ચાલુ છે.

(10:49 am IST)